શહેરા,
શહેરાના ઉમરપુર ગામ પાસે પસાર થતી કૂર્ણ નદીના કિનારે આવેલા વણકરવાસના સ્મશાન પાસે દફનવિધિ કરેલ લાશના પગ જોવા મળતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી સાથે જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસે પસાર થતી કૂર્ણ નદીના કિનારે આવેલા વણકરવાસના સ્મશાનની નજીકમાં એક દફનવિધિ કરેલ લાશના પગો ઉપર કૂતરાઓ એ ખાડાની માટી ખસેડી કાઢતા લાશના પગો બહાર આવી ગયા હતા. સ્થાનિક ગામના સુરેન્દ્રસિંહ તેમજ દિનેશભાઈ પરમારને સ્મશાન પાસે દફનવિધિ કરેલ લાશના પગો જોવા મળતા તેઓએ આ બાબતની જાણ ગામના સ્થાનિક સરપંચને કરવામાં આવી હતી. વાયુવેગે વાત સમગ્ર ગામમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્મશાન ખાતે ઉમટી આવ્યા હતા. ગામના જાગૃત નાગરિક અર્જુનસિંહ પરમાર એ આ બનાવની જાણ પોલીસને કરતા સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પોલીસે હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.