દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા બસ સ્ટેશનથી ઉપડતી સંતરામપુર-બાંસવાડા એસ.ટી. બસ બાંસવાડા ન જતી હોવાની મુસાફરોની વ્યાપક બુમો અને ફરિયાદો વચ્ચે આ મામલે આ બસના ડ્રાઈવર અને કંડક્ટરને સંતરામપુર એસ.ટી. વિભાગ દ્વારા બંન્નેને સસ્પેન્ડ કરી દેતાં એસ.ટી. વિભાગના ગુલ્લેબાગ ડ્રાઈવર, કંડક્ટરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
થોડા દિવસો પહેલાં સંતરામપુર એસ.ટી. ડેપોથી ઉપડતી સંતરામપુર-બાંસવાડા એસ.ટી. બસ ફતેપુરાથી ઉપડી બાંસવાડા જતી હતી. તે સમયે કેટલાંક મુસાફરો બાંસવાડા માટે બસમાં બેસતાં તેઓને ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બસમાં ચઢવા ન દઈ અને બસ બાંસવાડા જતી ન હોવાનું જણાવતાં આ મામલે મુસાફરોએ આ મામલે સંતરામપુર એસ.ટી. વિભાગને જાણ કરી હતી. આ બાદ ડ્રાઈવર અને કંડક્ટરે પોતાના બચાવમાં એમ પણ જણાવ્યું હતું કે, બાંસવાડાના રસ્તા પર રસ્તાનું કામકાજ ચાલતું હોવાને કારણે આજે બસ ગઈ ન હતી, પરંતુ આ ફરિયાદ ભુતકાળમાં પણ ઉઠવા પામી હતી. જેમાં અગાઉ પણ આ બસ બાંસવાડા જતી ન હોવાની ફરિયાદ ફતેપુરા બસ ડેપોને કરવામાં આવી હતી. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંતરામપુર ડેપો મેનેજર દ્વારા આ બસના ડ્રાઈવર રમેશભાઈ કાળુભાઈ ખાંટ અને કંડક્ટર પટેલ ખેમાભાઈ દેવાભાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. સમગ્ર મામલે આ બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવતાં તમામ બસ ડેપોના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.