દાહોદ,અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના બે ડેવલપમેન્ટ ઓફીસરોએ ગ્રાહકો પાસેથી લોનના હપ્તા ઉઘરાવ્યા બાદ તે રૂપિયા 13.50 લાખથી વધુની રકમ કંપનીમાં જમા ન કરાવી પોતાના અંગત લાભ માટે વાપરી નાંખી ગ્રાહકો અને કંપની સાથે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કર્યાનું બાર આવ્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના લીમડી ગામના આજુબાજુના વિસ્તારના અલગ અલગ ગામડાઓની મહિલાઓને ગત તા. 1-1-2022 થી 31-8-2022 દરમ્યાનના સમય ગાળામાં અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના ડેવલપમેન્ટ ઓફીસરની પોસ્ટ પર ફરજ બજાવતા ખેડા જિલ્લાના વાડીનાથ ગામના નિલેશભાઈ નાનકભાઈ વણઝારા તથા મહિસાગર જિલ્લાના ચાંપેલી ગામના ઘણીયાનવી વસાહત ફળીયામાં રહેતા નરેન્દ્રકુમાર કાળુભાઈ માછીએ કંપનીમાંથી લોન મંજુર કરાવી હતી અને મહિલાઓ પાસેથી લોનના હપ્તાની ઉઘરાણી કરી લોનના હપ્તા પેટે રૂા. 13,50,875 જેટલી માતબર રકમ ઉઘરાવી તે રકમ કંપનીમાં જમા નહી કરવી તે રકમ પોતાના અંગત કામમાં વાપરી નાંખી હતી. જ્યારે બીજી તરફ ગ્રાહકબેનો પર ફાઈનાન્સ કંપનીમાંથી લોનના હપ્તા ભરી દેવાની તાકીદ કરતી નોટીસો પાઠવવામાં આવતા ગ્રાહક બહેનોએ આ મામલે ઉપર સુધી રજુઆત કરી હતી. જેના પગલે તપાસ હાથ ધરતા, તપાસમાં અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના ઉપરોક્ત બંને ડેવલ્પમેન્ટ ઓફીસરોએ ગ્રાહક બહેનો પાસેથી ઉઘરાવેલ હપ્તાની રકમ રૂપિયા 13,50,875/- કંપનીમાં જમા ન કરાવી પોતાના અંગત કામમા વાપરી નાખી ગ્રાહક બહેનો તથા ફાઈનાન્સ કપની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાનું બહાર આવતા યુનીટ મેનેજર ભરતભાઈ કાંતીભાઈ મહેરાએ ઉપરોક્ત બંને ડેવલપમેન્ટ ઓફીસરો વિરૂધ્ધ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.