દે.બારીઆ તાલુકામાં લગ્નમાં ડી.જે.માં વાગતા અશ્ર્લીલ તેમજ બિભત્સ ગીતો પર પ્રતિબંધની માંગ

દે.બારીઆ,દે.બારીઆ તાલુકામાં ડીજેમાં ગુજરાતી ગીતોમાં અશ્ર્લિલ તેમજ બિભત્સ શબ્દોવાળા ગીતો વગાડવા ઉપર પ્રતિબંધ લાદવાની માંગ સાથે કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.

આવેદનમાં જણાવ્યુ છે કે, દે.બારીઆ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સીઝન પુરબહારમાં ખીલી છે. જેમાં એક લગ્નમાં છ થી આઠ ડીજે વાગતા હોય છે. આ ડીજે સંચાલકો દ્વારા વગાડતા ગુજરાતી ગીતો તેમજ ટીમલી ગીતોમાં અશ્ર્લિલ તેમજ બિભત્સ શબ્દોવાળા ગીતો સાંભળવા મળે છે. જે સાંભળીને પરિવારના વડીલો તેમજ મહિલાઓ અને બહેનો શરમમાં મુકાતી હોય છે. કોળી સમાજના કેટલાક યુવા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયાના માઘ્યમથી આવા ગીતો ઉપર પ્રતિબંધ લાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. તેમ છતાં આવા ગીતો વગાડવાનુ ચાલુ છે. જેથી આવા ગીતો પર પ્રતિબંધ મુકાય તેમજ આ પ્રકારના ગીતો વગાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.