બાલાસિનોર તાલુકાના 6 તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ

બાલાસિનોર,બાલાસિનોર તાલુકામાં આવેલી વડદલા જિલ્લા પંચાયત સીટ પર સ્વાગત કાર્યક્રમમાં કોઈ અરજદાર હાજર ના રહેતા ભાજપ અગ્રણિ અધિકારીઓ પર ભડકયા હતા. જે સંદર્ભે 6 જેટલા તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર તાલુકામાં આવેલી વદડલા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત 15 એપ્રિલના રોજ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક બે અરજદાર હાજર રહ્યા હતા. જયારે અરજદારની જગ્યાએ માત્ર અધિકારી વર્ગ હાજર રહેતા ભાજપ અગ્રણિ અજમલસિંહ પરમારે અધિકારીઓને આડેહાથ લઈ તપાસ કરતા 11 જેટલી ગ્રામ પંચાયતોમાં સ્વાગત કાર્યક્રમનો પ્રચાર પ્રસારના ભાવે અરજદારો આવ્યા ન હોવાનુ જાણવા મળેલુ હતુ. જે બાબતે અધિકારી વર્ગએ 18 એપ્રિલના રોજ ફરી કાર્યક્રમ રાખવાનો સુચન કરતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જે બાબતે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ 6 જેટલા તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તલાટીઓએ પોતાના સેજામાં અતિ સંવેદનશીલ કામગીરીને મનસ્વીપણે ગંભીર બેદરકારી દાખવેલ છે. તેથી તલાટીઓની સામે સેવા અને શિસ્ત અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે. તો દિવસ ત્રણમાં આ અંગે લેખિત ખુલાસો આપવો તેમ જણાવ્યુ હતુ.