નવીદિલ્હી,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી વિધાનસભામાં ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શરાબ કૌભાંડમાં એક દિવસ પહેલા સીબીઆઇની પૂછપરછનો સામનો કર્યા બાદ દિલ્હીના CM એ વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે. કેજરીવાલે એક વાર્તા કરી વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે.
તેમણે ફરી એકવખત પીએમના શિક્ષણ અને તેમની ડિગ્રી પર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે વાર્તામાં પોતાને પણ એક પાત્ર તરીકે રજૂ કર્યા હતા. તેમણે મોંઘવારી જેવી સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે બાદમાં લોકોએ દેશના રાજાને બદલી દીધા અને એક ઈમાનદાર અને દેશભક્તને ગાદી પર બેસાડી દીધા. જે બાદ દેશમાંથી મોંઘવારી ખતમ થઈ અને દેશ વિકાસ કરવા લાગ્યો.
દિલ્હીના કથિત શરાબ કૌભાંડને લઈને અરવિંદ કેજરીવાલ સરકારને હાલ ચારેબાજુથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારનાં રોજ મુખ્યમંત્રી કેજરીવાલની આ મુદ્દે ૯ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ થઈ હતી. આ વચ્ચે સરકારે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન આપ ધારાસભ્યએ કેજરીવાલની પૂછપરછને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા.
ચર્ચાના અંતે મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની વાત રાખી હતી. તેમણએ કહ્યું કે- આજે એક રાજાની વાર્તા સંભળાવી રહ્યો છું. વાર્તા થોડી આગળ વધી ત્યારે તેમણે કહ્યું- તે રાજા એક ગરીબ ઘરમાં જન્મ્યો હતો. એક જયોતિષે કહ્યું કે આ દેશનો સમ્રાટ બનશે. ગામની પાસે સ્ટેશન હતું. ઘરનો ખર્ચ ચલાવવા માટે તે સ્ટેશન પર ચા વેચવા લાગ્યો. જે બાદ તેમણે કહ્યું કે બાળક મોટો થઈને મહાન દેશનો રાજા બની ગયો. કેજરીવાલે તે પછી વાર્તાના બહાને તે વાત ફરી કહી જેને લઈને તેઓ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતી વખતે જણાવે છે. તેમણે શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા. જે બાદ સિલિન્ડરથી લઈને ઓઈલ સુધીની કિંમતમાં અંતર જણાવીને મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો તો નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ કરીને પણ નિશાન સાધ્યું . તેમણે ફરી પોતાનો ઉલ્લેખ કરતા કહ્યું- તે દેશમાં એક રાજ્યનો મુખ્યમંત્રી હતો જેને બધાંને નિ:શુલ્ક વીજળી આપી. સારવાર મફત કરી. તેમણે અંતમાં એમ પણ કહ્યું કે બાદમાં લોકોએ રાજાને હટાવીને એક ઈમાનદાર દેશભક્તને ત્યાં બેસાડી દીધો. મહત્વપૂર્ણ છે કે કેજરીવાલ પોતાને ઈમાનદાર અને દેશભક્ત ગણાવે છે.