અતીક અહેમદે હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સિક્રેટ પત્ર લખીને ગયો છે ,હવે રહસ્ય ખુલશે ?

લખનૌ,માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને રવિવારે રાત્રે પ્રયાગરાજના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. શનિવારે જ્યારે તેઓ મીડિયાના પ્રશ્ર્નોના જવાબ આપી રહ્યા હતા ત્યારે બંનેની હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ નવી માહિતી સામે આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અતીકે તેની હત્યાના થોડા દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો. આ પત્ર સુપ્રીમ કોર્ટને સંબોધવામાં આવ્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. પત્ર ખુલ્યા બાદ ઘણા મહત્વપૂર્ણ રહસ્યો પણ ખુલી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અતીક અહેમદે આ પત્રમાં તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ પત્ર હત્યાના બે અઠવાડિયા પહેલા લખવામાં આવ્યો હતો. જેમાં તેણે ‘સેવામાં, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા’ સંબોધન લખ્યું હતું. પત્રના અંતમાં પૂર્વ સાંસદ અતીક અહેમદ લખવામાં આવ્યું હતું. જો કે, પત્ર વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ એવી આશંકા છે કે તેમાં ઘણા છુપાયેલા રહસ્યો હોઈ શકે છે. અતીકના વકીલે આ પત્ર વિશે જણાવ્યું હતું કે, અતીકે મને કહ્યું હતું કે તેને જેલમાં કેટલાક પોલીસ અધિકારીઓએ ધમકી આપી હતી. તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ માહિતી પત્રમાં છે.

અતીક અને અશરફ સતત હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. અતીકને જ્યારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે પણ તેને મારી નાખવાનો ડર હતો. બીજી તરફ ઉમેશ પાલ અપહરણ કેસમાં હાજર થયા બાદ અશરફ ૨૮ માર્ચની રાત્રે બરેલી જેલમાં પરત ફર્યો ત્યારે તેણે હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાત કરતા અશરફે કહ્યું હતું કે બે અઠવાડિયા પછી તેને ફરીથી જેલમાંથી બહાર કાઢીને કાર્યવાહી કરવામાં આવશે. તેણે દાવો કર્યો કે એક પોલીસ અધિકારીએ તેને આ વાત કહી હતી. જો કે તે પોલીસ અધિકારી કોણ હતા, અશરફે તેનું નામ જણાવ્યું ન હતું.

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના ત્રણ આરોપીઓને સોમવારે પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાંથી પ્રતાપગઢ જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હમીરપુરના સની (૨૩), બાંદાના લવલેશ તિવારી (૨૨) અને કાસગંજના અરુણ કુમાર મૌર્ય (૧૮)ને વહીવટી આધાર પર સેન્ટ્રલ જેલ પ્રયાગરાજથી જિલ્લા જેલ પ્રતાપગઢમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ત્રણેયને બપોરે ૧૨ વાગ્યે પ્રયાગરાજથી લઈ જવામાં આવ્યા હતા અને બપોરે ૨.૧૦ વાગ્યે પ્રતાપગઢમાં પ્રવેશ્યા હતા. સની, લવલેશ અને અરુણે ૧૫ એપ્રિલની રાત્રે અતીક અને અશરફની જ્યારે તબીબી તપાસ બાદ હોસ્પિટલમાંથી પરત લાવવામાં આવી રહી હતી ત્યારે તેમની હત્યા કરી હતી. અતીકનો પુત્ર અલી પ્રયાગરાજ જેલમાં બંધ છે.