નવીદિલ્હી,દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ સંક્રમણના ૯૧૧૧ નવા કેસ નોંધાયા છે. તો વળી આ દરમ્યાન ૨૪ લોકોના મોત પણ થઈ ગયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારે સવારે તાજા આંકડામાં જણાવ્યા અનુસાર, આ નવા કેસ સામે આવતાની સાથે જ દેશમાં કોરોનાના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૦,૩૧૩ સુધી પહોંચી ગઈ છે.
જો કે, કોરોના સંક્રમણના નવા કેસ જોઈએ તો, રવિવારની સરખામણીમાં સોમવારે તેમાં થોડી કમી જોવા મળી છે. રવિવારે કોરોનાના ૧૦,૦૯૩ નવા કેસ સામે આવ્યા હતા, જે સોમવારે લગભગ ૧૦૦ વધારે હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર થયેલા તાજા આંકડા અનુસાર, દેશમાં કોવિડ ૧૯થી ૨૪ લોકોના મોત થતાં કુલ સંખ્યા ૫૩૧૧૪૧ પર ગઈ છે.
આ આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૬, યૂપીમાં ૪, દિલ્હી અને રાજસ્થાનમાં ૩-૩, મહારાષ્ટ્રમાં બે તથા બિહાર, છત્તીસગઢ, હિમાચલ, ઝારખંડ અને તમિલનાડૂમાં ૧-૧ દર્દીના મોત થયા છે. જ્યારે કેરલમાં કોવિડ-૧૯થી મોતનો આંકડામાં વધુ એક દર્દીનું નામ સામેલ થયું છે.
આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણનો દૈનિક દર ૮.૪૦ ટકા અને સાપ્તાહિક દર ૪.૭૮ ટકા નોંધાયો છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશમાં સંક્રમણથી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં કુલ કેસમાં ૦.૧૩ ટકા છે. તો વળી દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૮.૬૮ ટકા છે. આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૨,૩૫,૭૭૨ લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે. જ્યારે કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૧૮ ટકા છે.