બેંગલુરુ,કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. સવારે તેઓ બેંગલુરુમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને પ્રેસ-કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
કર્ણાટકમાં ભાજપના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર સોમવારે સવારે બેંગલુરુમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને ટિકિટ આપવામાં ન આવતાં બે દિવસ પહેલાં જ તેમણે ભાજપ છોડી દીધો હતો. શેટ્ટીરને કોંગ્રેસ- અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભ્યપદ અપાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ હાજર રહ્યા હતા.કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સહિત ઘણા નેતાઓ બેંગલુરુમાં કોંગ્રેસ કાર્યાલયમાં હાજર હતા.
શેટ્ટારે કહ્યું, ’મેં ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયો છું. વિપક્ષના નેતા, પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ રહેલા નેતાને કોંગ્રેસમાં જોડાતા જોઈને ઘણા લોકોને આશ્ર્ચર્ય થતું હશે. ભાજપે મને દરેક હોદ્દો આપ્યો અને પાર્ટીનો કાર્યકર હોવાથી મેં હંમેશાં પાર્ટીના વિકાસ માટે કામ કર્યું છે.
“પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના કારણે, મેં વિચાર્યું કે મને ટિકિટ મળશે, પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ મળી નથી ત્યારે હું ચોંકી ગયો. આ વિશે કોઈએ મારી સાથે વાત કરી નથી તેમ જ તેમણે મને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. મને કયું પદ આપવામાં આવશે એ અંગે પણ મને કોઈ ખાતરી આપવામાં આવી નહિ.
કર્ણાટકના પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને દાવો કર્યો કે આગામી દિવસોમાં ભાજપના ઘણા નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે.