કોરોના વાઈરસનું સંક્રમણ હજુ અટક્યુ નથી. ક્રિસમસ, ન્યૂયર જેવા તહેવારોને કારણે કેસમાં વધારો થવાની શંકા છે. તેના કારણે ઘણી રાજ્ય સરકારોએ સાવચેતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે. ત્યારે બીજી તરફ બ્રિટેનમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને પણ સરકારોને વિચારવા પર મજબૂર કરી દીધી છે. મળતી માહિતી મુજબ આવતીકાલથી મહારાષ્ટ્રના નગર નિગમોમાં નાઈટ કર્ફ્યૂનું જાહેરાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નિર્ણય બ્રિટેનમાં કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉદ્ધવ સરકારના નવા આદેશ મુજબ નાઈટ કર્ફ્યૂ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રહેશે. 5 જાન્યુઆરી સુધી આ આદેશ લાગુ રહેશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે.
તેની સાથે જ ઉદ્ધવ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે યુરોપીય દેશો અને મીડલ ઈસ્ટના દેશોથી આવનારા મુસાફરોને અનિવાર્ય ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈનથી પસાર થવું પડશે. એક નક્કી સમય સુધી તમામ મુસાફરોને સરકારી વ્યવસ્થાની દેખરેખમાં રહેવું પડશે, ત્યારબાદ જ તે પોતાના ઘરે જઈ શકશે.