ગરબાડાના પાંદડી ગામે જુનુ મકાન ધરાશાઈ થતાં પાંચ વ્યકિતઓ દબાયા

ગરબાડા,ગરબાડા તાલુકાના પાંદડી ગામે માળ ફળિયામાં એક જુનુ કાચુ મકાન ધરાશાયી થયુ હતુ. આ અકસ્માતમાં ધરમાં નિંદ્રાધિન પાંચ સભ્યો કાટમાળ વચ્ચે દબાઈ ગયા હતા. જોકે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. ધરમાં બાંધેલા ઢોરો પણ દબાઈ ગયા હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. દોડી આવેલા ગ્રામજનોને તમામને બહાર કાઢયા હતા. સદ્નસીબે જાનહાનિ નહિ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામે માળ ફળિયામાં રહેતા કાંતિભાઈ સેતાનભાઈ ડામોર પોતાના પરિવાર સાથે કાચા મકાનમાં નિંદ્રાધિન હતા. ત્યારે રાતના સમયે કોઈ કારણોસર આ મકાન ધરાશાયી થઈ ગયુ હતુ. વળીઓ વજન ઝીલી નહિ શકતા કદાચ આ ધટના બની હતી. વળીઓ નળિયા સહિતનો કાટમાળ ધરમાં ઉંધતા કાંતિભાઈ સહિતના પાંચ સભ્યો ઉપર પડ્યો હતો. કાટમાળ વચ્ચે ધરમાં બાંધેલા ઢોરો પણ દબાઈ ગયા હતા. આ ધટનાથી ગામના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. દોડી આવેલા લોકોએ કાટમાળ ખસેડીને ધરના સભ્યો તેમજ ઢોરોને બહાર કાઢ્યા હતા. જોકે કોઈ માથા ઉપર કોળી વળી નહિ પડતા જાનહાનિ ટળી હતી.