પિતા અતિક અહમદની હત્યાના સમાચાર સાંભળીને જેલમાં પુત્ર ઉમર બેહોશ થઈ ગયો

લખનૌ,અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં મીડિયાની હાજરીમાં ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરવાવાળા ત્રણ આરોપીઓએ પોલીસને સરેન્ડર પણ કર્યું છે. કહેવાય છે કે અતિક અહમદની હત્યા એક ગેંગવોરનો ભાગ છે. અતીક અહેમદ ગુનાખોરીનો બેતાજ બાદશાહ હતો. તેને ગુનાખોરીની દુનિયામાં પુરા ૪૪ વર્ષ સુધી પોતાનું એકહથ્થુ શાસન ચલાવ્યુ હતુ. ઉમેશપાલની હત્યાના ૫૦ દિવસમાં જ તેનું સામ્રાજ્ય પડી ભાંગ્યું અને ગુરુવારે તેનો દીકરા અસદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. અને શનિવારે રાતે અતીક અને તેના ભાઈની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી. આ ઘટનાથી અતિક અહમદનો પરિવાર ભાંગી પડ્યો છે.

પિતાની હત્યાના સમાચાર સાંભળીને તેનો મોટો પુત્ર ઉમર જેલમાં બેહોશ થઈ ગયો હતો. અતીકનો પુત્ર ઉમર અહેમદ લખનૌ જેલમાં બંધ છે. ઉમર પર પ્રોપર્ટી ડીલર પર હુમલો કરવાનો અને અપહરણ કરવાનો આરોપ છે. પોલીસે તેના પર બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઉમરે સીબીઆઈ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. શાઈસ્તા આ વર્ષની શરૂઆતમાં જ બીએસપીમાં જોડાઈ હતી. એવી પણ ચર્ચા હતી કે તેને પ્રયાગરાજથી મેયર પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. જોકે, બાદમાં માયાવતીએ આ વાતને નકારી કાઢી હતી. પોલીસે શાઇસ્તા સામે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

અતિકને પાંચ પુત્રો હતા. ત્રીજો પુત્ર અસદ અહેમદ ગુરુવારે પોલીસ એક્ધાઉન્ટરમાં માર્યો ગયો છે. તે પાંચ મહિનાથી ફરાર હતો. આ સિવાય તેના બીજા ચાર દીકરા મોહમ્મદ અહઝમ, મોહમ્મદ ઉમર, મોહમ્મદ અલી અને મોહમ્મદ અબાન છે. મોહમ્મદ અલી અને મોહમ્મદ ઉમર જેલમાં છે. અતીક અહેમદનો આખો પરિવાર ગુનામાં સામેલ હતો. પોલીસ આતિકના બીજા પુત્રને શોધી રહી છે. અતીકના પાંચ પુત્રોમાંથી ચારનો ગુનાહિત રેકોર્ડ છે. તેઓ હુમલો, ગુંડાગીરી, અપહરણ, છેડતી જેવા કામો કરતા હતા. પોલીસે માર્યા ગયેલા અસદ પર પાંચ લાખનું ઈનામ રાખ્યું હતું.

જ્યારે અતીક અહેમદે ૨૦૦૪માં સપાની ટિકિટ પર ફુલપુર બેઠક પરથી લોક્સભાની ચૂંટણી જીતી હતી, ત્યારે તેમની વિધાનસભા બેઠક અલ્હાબાદ પશ્ર્ચિમ ખાલી પડી હતી. આના પર અતીકના નાના ભાઈ અશરફે પેટાચૂંટણી લડી હતી. એસપીએ તેમને ટિકિટ આપી હતી. અશરફને બસપાના રાજુ પાલે હરાવ્યા હતા. અતીક અને અશરફ આ હારને પચાવી શક્યા નહીં. રાજુ પાલની થોડા મહિનાઓ પછી દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં અન્ય બે લોકોના પણ મોત થયા હતા. આ હત્યાકાંડ સાથે અશરફ અને અતીકનું સીધું કનેક્શન સામે આવ્યું હતું.