એક જ દિવસમાં શહેરમાં આપઘાતના ૨ જુદા-જુદા બનાવ, પાંડેસરા-ભટારમાં યુવતી અને યુવકે અગમ્ય કારણોસર મોત વ્હાલુ કર્યું

સુરત : પાંડેસરા અને ભટાર વિસ્તારમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારની ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધામીની મહાજન નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.

વિદ્યાર્થીનીના માતા-પિતા વતન ગયા હોવાથી તે ઘરે એકલી હતી, દરમિયાન તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે હજુ વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ અકબંધ છે.

પરિવારની એકના એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. પાંડેસરા પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીનીનો મૃતદેહ પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

દરમિયાન સુરતના ભટારમાંથી પણ આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. ૧૮ વર્ષીય કિશોરે આપઘાત કર્યાની ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. મૃતક યુવકનું નામ મોહિતભાઈ દિનેશભાઇ પટેલ છે, મૃતક યુવકના પિતાનું ૧૫ વર્ષ પેહલા જ કુદરતી અવસાન થયું હતું. માતા અને પુત્ર બંને એક જગ્યા ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ આ મામલે ખટોદરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.