વડોદરા,વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પતિએ પણ ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ છે. આ મામલે વડોદરા તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં મનિષ નાયડુ(ઉ.૨૩) પત્ની અશ્ર્વિની નાયડુ(ઉ.૨૧) સાથે રહેતા હતા. ગઇકાલે પતિ શહેરની બેંક હાર્ટ હોસ્પિટલમાં નોકરી પર ગયો હતો. તે સમયે પત્નીને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ સમયે સાસુ બહારથી આવ્યા હતા અને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે, અશ્ર્વિનીએ ઘરનો દરવાજો ન ખોલતા સાસુએ બાજુમાં જ રહેતી તેમની મોટી વહુને કહ્યું હતું કે, અશ્ર્વિની ઘરનો દરવાજો ખોલતી નથી. જેથી ઘરનો દરવાજો તોડીને જોતા અશ્ર્વિનીનો લટક્તો મૃતદેહ મળી આવ્યો હતો.
પુત્રવધુએ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમિયાન પરિવારે તુરંત જ મૃતક મહિલાના પતિ મનિષ નાયડુને જાણ કરી હતી. ઘરે પહોંચીને પત્નીનો લટક્તો મૃતદેહ જોઈને પતિને આઘાત લાગ્યો હતો અને પતિએ ગળાના ભાગે બ્લેડના ઘા મારી દીધા હતા અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનિષને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ મનિષની સારવાર ચાલી રહી છે.
ભાયલી ગામની આ કરુણ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને પુત્રવધુના મોત અને પુત્રના આપઘાતના પ્રયાસને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. જેને પગલે વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયું નથી.