કંડલા બંદરે ૧૧૫ કીલો નશીલી ગોળીઓ જપ્ત:ડ્રગ્સ સબંધિત સામગ્રી પરવાનગી વિના નિર્માણ અને નિકાસ સંદર્ભે કાર્યવાહી

ભુજ,કચ્છથી વારંવાર નશીલા પર્દાર્થો અને બંદરીય અયોગ્ય ગતીવીધીઓ માટે કુખ્યાત થઈ રહ્યુ છે, ત્યારે એક્સામટે કંડલા, કાસેઝ અને મુંદ્રા પોર્ટ પર ધોંસ બોલાવીને શંકાસ્પદ ગણાતા ડ્રગ્સ ટેબ્લેટનો જથ્થો નિકાસ થાય તે પહેલા રોકી પડાયો હતો. તો બીજી તરફ કાસેઝમાં સ્થિત કંપનીથી દુબઈ પ્રક્રિયા બાદ નિકાસ થઈ રહેલા ૫ કન્ટેનરને રોકી દેવાયા હતા. આ બન્ને કેસમાં નિયમ વિરુદ્ધ કામગીરી થઈ રહી હોવાના અંદેશાથી વિભાગ નમુનાઓ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા.

કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં સ્થિત રુસાન ફાર્મા કંપનીમાં બની રહેલી કેટલી દવાઓમાં ઉપયોગમાં આવતા રસાયણોમાંથી એકને આયાત કરવા અને સંગ્રહીત કરવાની પરવાનગી ન હોવા મુદે તપાસનો દોર શરૂ થયો હતો. આ અંગે કસ્ટમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું કે ૧૧૫ કિલો ટેબ્લેટનો જથ્થો રોકી દેવાયો છે અને અન્ય સબંધિત કાર્ગોની પણ તપાસ કરાઈ રહી છે. જોકે, આ કોઇ નશીલા દ્રવ્ય જેટલી ગંભીર નહિ પરંતુ પોલીસી આધારીત બાબત હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કેસમાં કંપની નિયમાનુસાર કામગીરી થઈ રહી હોવાનો દાવો કરી રહી છે.

બીજી તરફ કાસેઝ સ્થિત ઓજીએલ વેરહાઉસમાંથી મુંદ્રા પોર્ટથી દુબઈ માટે નિકાસ થઈ રહેલા ૫ કન્ટેનરને મુંદ્રા કસ્ટમ દ્વારા રોકી દેવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું કે તેમાં પ્રક્રિયા કરેલા પદાર્થ સંભવત સોપારીની જગ્યાએ લાકડાનો ભુંસો પણ મોટા પ્રમાણમાં ભરીને નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને ડીટીએ થકી બાકીનો જથ્થો સ્થાનિક બજારમાં ઠાલવી દેવાનો કારસો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે આ તપાસનો દોર ચાલી રહ્યો છે.

ત્રણ કન્ટેનરની તપાસ આ કેસમાં કરાઈ, જેમાં શરૂઆતના ભાગમાં સડેલી સોપારીનો જેવો જથ્થો મળ્યો, તો પાછળના ભાગમાં લાકડાના ભુંસા જેવોજ કાર્ગો મળતા તેના નમુના લઈને લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. આ બન્ને કેસમાં હાલ કોઇ સીઝર કરાયું નથી, પરંતુ નમુનાઓના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. આ બન્ને કેસ અંગે તપાસ ચાલતી હોવાની હામી કસ્ટમ કમિશનરે આપી હતી. તો બીજી તરફ નશીલા પદાર્થનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ચર્ચા શહેરભરમાં ઉઠવા પામી હતી.

જે ડ્રગ્સ સબંધિત તપાસની ચર્ચા મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે વિવાદાસ્પદ ‘ટ્રામાડોલ’ રસાયણનો તાજેતરમાં ‘સાયકો ડ્રોપીક’ ડ્રગ્સમાં ઉમેરો કરાયો છે. જે અંગેની તમામ પરવાનગી સબંધિત પેઢી પાસે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સાઉથ આફ્રીકામાં આ માટે એક મોટો ઓર્ડર અહીની પેઢીને મળ્યો છે, જે સબંધિતજ આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.