લીમખેડા પાલ્લી ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ડબગર સમાજના બે યુવકોના મોત

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે ઉપર ગઈકાલે રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમ ખ્વાર અકસ્માતમાં બાઈક ઉપર સવાર ડબગર સમાજના બે યુવકોનું માથામાં થયેલી ગંભીર ઈજાના પગલે કરૂણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદના મોટા ડબગરવાસન માં આવેલા મંદિર ફળિયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર દેવચંદભાઈ દેવડા (ઉં. વ. 40) તથા સતિષભાઈ કિશોરભાઈ દેવડા (ઉં .વ. 33) નાઓ ગઈકાલે બાઈક પર હાલોલ ખાતે મકાનના કાચ લેવા માટે ગયા હતા અને બાઈક પર કાચ લઈને પરત ફરતી વેળા રાત્રિના 11:30 કલાકના સુમારે રસ્તામાં લીમખેડા નજીક પાલ્લી ગામે હાઇવે રોડ પર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ ચાલતી એક ટ્રકના ચાલકે અચાનક જ શોર્ટ બ્રેક માર્યો હતો જેને લઈને પાછળ ચાલતી તેઓની બાઈક આ ટ્રક સાથે અથડાઈ હતી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ધર્મેન્દ્ર કુમાર દેવચંદ દેવડાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે સતિષભાઈ કિશોરભાઈ દેવડાને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી. ધર્મેન્દ્ર દેવડાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે સતિષભાઈ દેવડાને દાહોદની જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું પણ માથામાં થયેલી ગંભીર બીજાના કારણે ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. અકસ્માત કરી ટ્રક સ્થળ પર છોડી ચાલક ભાગી છૂટ્યો હતો.

આ બનાવ સંદર્ભે દાહોદના અનિલકુમાર દેવચંદભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદના કારણે લીમખેડા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.