શહેરાના ઉમરપુર અને આંબાજેટી ગામે કુણ નદી માંથી ખનન કરતાં ખનિજ માફિયા સામે કાર્યવાહી કરવામાં તંત્રનો ખચકાટ

શહેરા,શહેરા તાલુકાના ઉમરપુર અને આંબાજેટી ગામ પાસેથી પસાર થી કુણ નદીમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાનુ સ્થાનિક તંત્ર અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ જાણતું હોવા છતાં કાર્યવાહી કરવામાં તંત્ર ખચકાઈ રહયુ છે.

શહેરા તાલુકાના ઉમરપુર અને આંબાજેટી ગામ પાસેથી પસાર થી કુણ નદી માં પાછલા કેટલાક સમય થી ગેરકાયદેસર રેતી ખનન કરી નદી તથા જળચર પ્રાણીને નુકશાન પહોચાડી રહયા છે. અહી રેતીની લીઝ નહિ હોવા સાથે ખનીજ વિભાગનાં નિયમોને નેવે મુકીને રેતી ખનન થઈ રહયું છે. રેતીની ગાડી ગામના રસ્તા પરથી પસાર થવાના કારણે રસ્તા પણ તૂટી જતા હોવા સાથે નદીની સુંદરતામાં પણ આના કારણે ઘટાડો થતો જોવા મળી રહયો હતો. નદીને નુક્શાન થતું હોય તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં ખચકાતા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ આ બાબતે જાણતું હોવા સાથે જાણવા મળ્યા મુજબ જે.સી.બી. મશીનથી રેતી કાઢીને દિવસ અને રાત્રી દરમિયાન વાહનોમાં હેરાફેરી થતી હોય છે. જ્યારે રોયલ્ટી પાસ વગર રેતી ભરેલા ટ્રેકટરો સહિતના વાહનોને નંબર પ્લેટ નહિ હોવા છતાં શહેરાનું જવાબદાર સ્થાનિક તંત્ર અને પોલીસની નજર સમક્ષ નીકળતા હોવા છતાં આ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહિ આવતા સરકારી તંત્રને આના કારણે નુકશાન પહોંચી રહયુ છે. ગેરકાયદે રેતી ખનન અટકે તે માટે જાગૃત નાગરિક દ્વારા પણ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આવેલ કુણ નદીમાં ખનિજ ખનન અટકે તે માટે સબંધિત તંત્ર દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી નહી કરવામાં આવતા ખનીજ ચોરોને લીલા લહેર થઇ ગઇ છે..