લાલગેટ વિસ્તારમાં બે ઈસમોએ યુવતીને બંધક બનાવી ચલાવી ૨.૩૯ લાખની લૂંટ

  • ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

સુરત,સુરતના લાલગેટ વિસ્તારમાં ભર બપોરે લૂંટની ઘટના બની હતી. લાલગેટ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી ઘરમાં એકલી હતી તે સમયે બે ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા. લૂંટારૂઓ યુવતીનું મોઢું દબાવી દઈ, હાથ-પગ સેલોટેપથી બાંધી ઘરમાંથી ૨.૩૯ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટ કરવા આવેલા બંને ઈસમો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે યુવતીએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

મૂળ મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાની વતની અને હાલમાં સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા બાગે રહેમત એપાર્ટમેન્ટમાં રહેતી આફરીન મિર્ઝા ચઉ.૨૫ૃ બુધવારે બપોરે ઘરે એકલી હતી. તે દરમ્યાન કોઈએ તેના ઘરનો દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ બે ઈસમો તેના ઘરમાં ઘુસી આવ્યા હતા. બે ઈસમોએ ઘરમાં ઘુસી યુવતીના મોઢા ઉપર તેમજ બંને પગ અને બંને હાથ સેલોટેપથી બાંધી દીધા હતા. ત્યારબાદમાં બંને ઇસમોએ પૈસે દાગીને કહા હૈ તેમ કહીને સેલોટેપ બાંધેલી હાલતમાં ઉચકીને બીજી રૂમમાં લઇ ગયા હતા જ્યાં યુવતીને માર મારી કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ અને મોબાઈલ ફોનની લૂંટ કરી લીધી હતી.બાદમાં યુવતી પાસે રોકડા રૂપિયા માંગી તેને મોબાઈલ ચાર્જરના વાયર વડે પીઠના ભાગે અને બીજા ઇસમેં મુક્કા વડે પગમાં અને મોઢા ઉપર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે “પુલીસ મેં કમ્પ્લેઇન કરેગી તો તું બહાર નિકલેગી તો તુજે માર ડાલેગે.” રોકડ ૪૫૦૦ રૂપિયા મળી કુલ ૨.૩૯ લાખની મત્તા લૂંટી ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટના બાદ યુવતીએ પોતાની જાતને ટેબલ પર મુકેલી છરીથી હાથની સેલોટેપ કાપી ઘરની બારી પાસે પહોચી હતી જ્યાં અન્ય બાળકોએ યુવતીને જોતા પાડોશીને જાણ કરી હતી અને પાડોશીએ ઘરમાં આવી યુવતીને સેલોટેપમાંથી મુક્ત કરાવી હતી. બીજી તરફ લૂંટ કરવા આવેલા બે ઈસમો બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા છે. આ ઘટના અંગે યુવતીએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.