દમણ ,સંઘ પ્રદેશ દમણ પોલીસે ગેમિંગ એપથી કરોડો બ્લેક મનીને વ્હાઈટ મનીમાં રૂપાંતર કરતા એક સ્કેમનો પર્દાફાશ કર્યો છે. દમણ કોસ્ટલ પોલીસે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં વિશાખાપટ્ટનમ અને પંજાબથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. ચોકાવનારી બાબત એ છે કે, આ બંને આરોપી પર ૧,૬૭૧ જેટલા ઓનલાઇન ફ્રોડ ના ગુના નોંધાયા છે, ત્યારે ઓનલાઇન ફ્રોડની દુનિયાના કોણ છે આ માસ્ટરમાઈન્ડ અને કઈ રીતે દરરોજ કરોડો રૂપિયાની હેરાફેરી કરતા હતા?
દેશમાં ઇન્ટરનેટ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનું ચલણ જેમ જેમ વધી રહ્યું છે, તેમ તેમ ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ પણ ઝડપી વધી રહ્યું છે. ત્યારે દેશમાં બ્લેક મનીને વ્હાઇટ મનીમાં રૂપાંતર કરવા ભેજાબાજો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે ત્યારે પાડોશી સંઘ પ્રદેશ દમણ પોલીસના ધ્યાને આવ્યું હતું કે , દમણ ગેમિંગ એપ નામે લોકોને અવનવી ઓન લાઈન ગેમ રમાડી તેમની સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
જેને લઈને દમણ પોલીસે આ મામલે પોતે ફરિયાદી બની તપાસ હાથ ધરી હતી .દમણ કોસ્ટલ પોલીસે આ ઓનલાઇન ગેમિંગના મામલે વિશાખાપટ્ટનમ અને પંજાબથી બે રીઢા ગુન્હેગારો ઝડપી પાડવામાં આવ્યા છે .પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ચોકાવનારી બાબત આવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં એક બે નહીં પરંતુ ૧,૬૭૧ થી વધારે ઓનલાઇન ફ્રોડના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
વિશાખાપટનમથી ઝડપાયેલા કનોરી દુર્ગા પ્રસાદ અને પંજાબ થી ઝડપાયેલા શ્રવણ કુમાર સિંગ ઓનલાઈન ફ્રોડ ના ખેલાડી છે. આરોપીઓ દમણ ગેમિંગ એપ માટે નાણાંની હેરાફેરી કરવા માટે દેશભરના ભોળા લોકોને ટાર્ગેટ બનાવતા હતા. ૧૫૦૦૦ રૂપિયા જેવી નજીવી રકમ આપીને આરોપીઓ તેના કરંટ એકાઉન્ટ મેળવી લેતા હતા અને ત્યારબાદ જે તે વ્યક્તિના ખ્યાલ બહાર રોજના બે લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
આમ દમણ પોલીસે હાલે દમણ કોસ્ટલ પોલીસે આરોપીઓ પાસેથી ૬૦ જેટલી બેંકની પાસ બુક ચેકબુક ૪૬ જુદી જુદી બેંકના એટીએમ સાત મોબાઈલ જપ્ત કર્યો છે. દમણ પોલીસે ૭૮ જેટલા બેંકના એકાઉન્ટ સીઝ કરી ને ૧.૩૦ કરોડ રૂપિયા ને સીઝ કરાયા છે.
ઝડપાયેલ આરોપી શ્રવણ કુમારની કડક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ બંને આરોપી બેંકની તમામ ડીટેલ મુખ્ય આરોપીને આપી દેતા હતા. આ સમગ્ર ગુનાનો માસ્ટર માઈન્ડ ભારત દેશની બહાર ફિલિપાઇન્સથી સમગ્ર કૌભાંડ આચરતો હતો.
આ ઘટનામાં જે લોકો નજીવી રકમ લઈને પોતાનો ડેટા અને બેંક એકાઉન્ટ આવા ફ્રોડ લોકોને આપી રહ્યા હતા તે લોકો આડક્તરી રીતે આ ગુનાના આરોપી સાબિત થયા છે. જોકે દમણ પોલીસ આ સમગ્ર કૌભાંડના ઊંડાણમાં જાય તો અનેક લોકોને જેલમાં જવાની નોબત આવી શકે છે. ત્યારે પ્રાથમિક રીતે એક દિવસમાં કરોડો રૂપિયાની બ્લેક મનીને વાઈટ મનીમાં રૂપાંતર કરનાર આ સમગ્ર કૌભાંડના તાર ફિલિપાઇન્સ સુધી ફેલાયેલા છે .ત્યારે દમણ પોલીસ આ મામલે હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.