ટેક્સાસ,અમેરિકામાં એક હદયદ્રાવક ઘટના બની, જેમાં હજારો ગાયોના મોત થયા. સ્થાનિક અધિકારીઓએ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં ટેક્સાસના એક ડેરી ફાર્મમાં મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં દાઝી જવાને કારણે લગભગ ૧૮,૦૦૦ ગાય મૃત્યુ પામી હતી. અમેરિકામાં આગને કારણે લાખો પશુઓએ જીવ ગુમાવ્યા છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ડિમ્મિટ ટાઉન પાસે આવેલી સાઉથ ફોર્ક ડેરીમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો, જેની હાલત નાજુક છે. અધિકારીઓનું માનવું છે કે તે મિથેન ગેસના કારણે આ વિસ્ફોટ થયો હશે.
જોકે, અમેરિકામાં ખેતરમાં લાગેલી આગને કારણે ગાય અને અન્ય પ્રાણીઓના મોત થયાની આ પહેલી ઘટના નથી. ૨૦૧૮થી ૨૦૨૧ની વચ્ચે એટલે કે આ ૪ વર્ષમાં અમેરિકામાં આગની ઘટનાને કારણે લગભગ ૩૦ લાખ પશુઓના મોત થયા છે. કાસ્ટ્રો કાઉન્ટી શેરિફ ઓફિસે વિસ્ફોટ વિશે જણાવ્યું હતું કે તેમને સાંજે લગભગ ૭.૨૧ વાગ્યે ખેતરમાં આગની માહિતી મળી હતી. ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટામાં આકાશમાં કાળા ડિંબાગ ધુમાડાના ગોટેગોટા દેખાય છે.
ઘટના બાદ જ્યારે ઈમરજન્સી સવસના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને ત્યાં એક વ્યક્તિ આગમાં ફસાયેલી જોવા મળી હતી, તેને સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ભીષણ આગ અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામેલી ગાયોની ચોક્કસ સંખ્યા કહી શકાય તેમ નથી, પરંતુ શેરિફ ઓફિસનો અંદાજ છે કે આ આગમાં ૧૮ હજાર ગાયોએ જીવ ગુમાવ્યો હતો. શેરિફ સાલ રિવેરાએ સ્થાનિક સમાચાર આઉટલેટ કેએફડીએને જણાવ્યું હતું કે કેટલીક ગાયો અકસ્માતમાં બચી ગઈ હતી, પરંતુ તેમની સ્થિતિ એટલી નાજુક હતી કે તેમને મારી નાખવી પડે તેવી સ્થિતિ છે.