ફલોરિડામાં ભયાનક વરસાદ: પૂરપ્રકોપ: ગણતરીના કલાકોમાં ૧૨ ઈંચ પાણી વરસ્યુ

ફોર્ટ લોડરટેલ,અમેરિકાના દક્ષિણ ફલોરિડામાં મુશળધાર વરસાદના તોફાનથી ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદને પગલે આવેલા અચાનક પુરથી હોલીવુડ, ફોર્ટ લોડરવેલ જેવા શહેરો અને બ્રોવર્ડ કાઉન્ટી રિજન પાણીમાં ગરકાવ થયો હતો. ફોર્ટ લોડરડેલમાં ગણતરીના કલાકોમાં લગભગ એક ફુટ (૧૨ ઈંચ) વરસાદ ખાબકયો અને એકાએક પૂર આવ્યું હતું.

શહેરનું એરપોર્ટ બંધ કરાયું હતું અને બ્રોવર્ડ કાઉન્ટી પ્રદેશ માટે હાઈ-સ્પીડ કોમ્પ્યુટર રેલ સેવા સસ્પેન્ડ કરાઈ હતી. શહેરના સતાવાળા પાણી ઓછું ન થાય ત્યાં સુધી રહેવાસીઓ અને મુલાકાતીઓને રસ્તાઓથી દુર રહેવાનો અનુરોધ કર્યો હતો. પોલીસ અને ફાયર રેસ્કયુના ફોન રણકી ઉઠયા હતા.

પબ્લીક વર્ક્સ સ્ટાફે શકય તેટલી ઝડપથી પાણીને ઓછું કરવા માટે પંપો લગાવ્યા હતા. નેશનલ વેધર સર્વિસે ફોર્ટ લોડરડેલ અને અન્ય વિસ્તારો માટે ગુરુવાર વહેલી સવાર સુધી ફલડ ઈમરજન્સી જારી કરી હતી, કારણ કે મુશળધાર વરસાદ સાથે વાવાઝોડું ચાલુ રહેવાની શકયતા છે. તેને ચેતવણી આપી હતી કે આ જીવન માટે જોખમી પરીસ્થિતિ છે. હવે ઉંચી જગ્યા શોધો.

જો કે નુક્સાન કે જાનહાનીને તાકીદે કોઈ અહેવાલ મળ્યા ન હતો. આ વિસ્તારમાં બુધવાર પછીથી ૧૪ ઈંચ સુધી વરસાદ ખાબકયો છે અને વધુ ૨થી૪ ઈંચ વરસાદ પડવાની શકયતા છે. હોલીવુડના મેયર જોશ લેવીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અગાઉથી વરસાદ પડી રહ્યો છે. અમારા સમગ્ર શહેરમાં અને સમગ્ર દક્ષિણ ફલોરિડામાં વિનાશક પુર છે. ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઘણાં વાહનો અટવાઈ ગયા છે.

લેવીએ જણાવ્યું હતું કે, હું મારું સમગ્ર જીવન અહીં જીવ્યો છું. મેં અત્યાર સુધી જોયેલું આ સૌથી ગંભીર પુર છે. ફલોરિડામાં બુધવારે રાત્રે ૨૨૦૦૦થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. બ્રોવર્ડ કાઉન્ટીન તમામ પબ્લીક સ્કુલો બંધ રહેશે. બુધવારથી ચાલુ થયેલા અવિરત વરસાદથી એરપોર્ટને તમામ ફલાઈટસ માટે બંધ કરાયું હતું.

એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુખ્ય માર્ગો પાણીથી ભરાઈ ગયા હતા. મિયામીમાં નેશનલ વેધર સર્વિસે હોલીવુડ અને ડેનિયા બીચની આસપાસના વિસ્તારો સાથે ફોર્ટ લોડરડેલ માટે રાત્રે ૮ વાગ્યાની આસપાસ ફલડ ઈમરજન્સી જારી કરી હતી.