ઝાલોદ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના 132 માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

  • ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
  • ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા વિધવા મહિલાઓને સાડીની ભેટ તેમના તરફથી આપવામાં આવી હતી.

દાહોદ,ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો ભીમરાવ આંબેડકરનો જન્મ 14 મી એપ્રિલ 1891 ના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે થયો હતો. તેમના માત-પિતાનાં તેઓ 14માં પુત્ર હતા. ડો ભીમરાવ આંબેડકર મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના અંબાવાડે ગામના વતની હતા. ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી પરંતુ તેમના નિશાળના શિક્ષક દ્વારા તેમની અટક આંબેડકર કરી દેવામાં આવી હતી. ભીમરાવ ભણવાના ખૂબ હોંશિયાર હતા. તેઓ 1912 માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ. સ્નાતક થયા હતા. ભીમરાવને વધુ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ તેજસ્વી વિદ્યાર્થીને વધુ ભણવા 1913 માં ન્યુયોર્ક ગયા હતા. ત્યાં તેઓએ પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય પર નિબંધ લખી તેમણે 1915 માં એમ.એ.ની ઉચ્ચ પદવી મેળવી હતી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી 1916 મા પી.એચ.ડી માટે બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિકાસ વિષય પર નિબંધ લખી કોલંબિયામાં પીએચડીની પદવી મેળવી હતી. 1923 માં આંબેડકર બેરીસ્ટર બન્યા હતા. 1928 માં તેમણે ભારતના કાયદાનો અભ્યાસના શિક્ષક બન્યા હતા.

આઝાદ ભારતના ભારત રત્ન અને દેશના બંધારણના ઘડવૈયાની 132 મી જન્મજયંતિ ઝાલોદ અનાજ માર્કેટ યાર્ડમાં ભાજપ શહેર અને ગ્રામ્યના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. અનાજ માર્કેટમાં યોજાયેલ સભામાં ધારાસભ્ય મહેશ ભૂરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર તેમજ ઝાલોદ નગર તેમજ ગ્રામ્ય ભાજપના નાના મોટા સહુ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા સભાની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા બાબા સાહેબ આંબેડકરનો પરિચય આપી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપ જીલ્લા પ્રમુખ શંકર અમલીયાર દ્વારા બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે આખી સભા ગજવી નાખવામાં આવી હતી. ત્યાર બાદ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા વિધવા બહેનોને તેમના તરફથી સાડીની ભેંટ આપવામાં આવી હતી.

ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા નગરની શોભાયાત્રામાં નીકળનાર રથ પર બેસી નગરમાં રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજે દ્વારા દેશ ભક્તિના ગીતોની સાથે બાબાસાહેબ આંબેડકરનો રથ સંવિધાન સાથે નગરના વિવિધ માર્ગો પર ફર્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પટેલના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પણ ઉપસ્થિત સહુ મહેમાનો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે ગગન ગુંજી ઉઠયું હતું. ત્યારબાદ છેલ્લે ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.