રોહિત સમાજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની સંતરામપુર ખાતે ઉજવણી કરવામાં આવી

  • દાહોદ,પંચમહાલ, મહીસાગર જિલ્લાના રોહિત સમાજના સભ્યો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરના જીવન ચારિત્ર્ય વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરાયા.
  • ડો.બાબા સાહેબ આંબેડકર ની જયંતિની ઉજવણી સહિત રોહિત સમાજની મળેલી સામાજિક મિટિંગમાં રાજ્ય આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યા.

ફતેપુરા,જીવન ગૌરવ સાથે જીવવાનો હક અને સમાનતાનો અધિકાર જેવી મહત્વની અને પાયાની બાબતોનો સમાવેશ બંધારણમાં કરી દેશના ગરીબો,વંચિતોને પોતાના અધિકાર અપાવનાર ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની દાહોદ, પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના રોહિત સમાજ સહિત અનુસૂચિત જાતિના સભ્યો દ્વારા સંતરામપુર આંબેડકર ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આદિજાતિ તથા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યા હતા. બાદમાં રોહિત સમાજ દ્વારા સામાજિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રોહિત સમાજના સભ્યો હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતીની સંતરામપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રોહિત સમાજ સહિત અનુસૂચિત જાતિના અન્ય સભ્યો તેમજ ગુજરાત રાજ્ય આદિજાતિના તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચડાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના રોહિત સમાજના સભ્યોના સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર દ્વારા મંડળના પ્રમુખ ગનાભાઈ વાલાભાઈ ભુનેતરના નિવાસ સ્થાને સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રોહિત સમાજના સભ્યો હાજર રહ્યા હતા.જેમાં ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન ચારિત્રય ની ઝાંખી કરાવવામાં આવી હતી.અને ડો.આંબેડકર સાહેબ દ્વારા શિક્ષણ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેમને શાળામાં સંસ્કૃતિ વિષય પણ લેવા દેવાયો ન હતો.જ્યારે આજનો તેમને સમર્પિત કાર્યક્રમ સંસ્કૃતના શ્લોકથી થાય છે, જે તેમના સંઘર્ષનો વિજય છે. ડોક્ટર બાબા સાહેબનું બંધારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મહત્વનું પ્રદાન હોવા બાબતે તેમજ બંધારણના ખૂબ મહત્વની કલમો જેવી કે રાઈટ ટુ લાઈફ વીથ ડિગ્નિટી અને સમાનતાનો અધિકાર આપતા જીવનને સીધા સ્પર્શતા ખૂબ મહત્વની બાબતો વિશે ઉપસ્થિત રોહિત સમાજના સભ્યોને વાકેફ કરાયા હતા. તેમજ રોહિત સમાજના આગેવાનોએ હાજર સભ્યોને જણાવ્યું હતું કે ડો. બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો ના સૂત્રને અપનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

જ્યારે આ સભામાં હાજર ગુજરાત રાજ્યના આદિજાતિ તથા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત સભ્યોને ડો.બાબાસાહેબ આંબેડકરના જીવન સૂત્રને અપનાવવા આહવાન કરાયું હતું.તથા તેમના જીવનચરિત્ર વિશે વિગતે માહિતગાર કરાયા હતા અને જણાવ્યું હતું કે, આપણને જે કાંઈ હકો મળ્યા છે. સ્વતંત્ર છીએ અને આજે આપણે જે કાંઈ છીએ તે ડો.બાબાસાહેબ આંબેડકરના ઘડેલા બંધારણના લીધે છીએ તેમ જણાવ્યું હતું.