ખાનપુરના ખડોદી ગામે રસ્તા-પાણી અને પાયાની સુવિધાથી લોકો વંચિત

મલેકપુર,મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા આંતરિયાળ ગામોમાં આજે પણ રસ્તા, પાણી અને પ્રાથમિક શિક્ષણ જેવી પાયાની સુવિધાથી ગ્રામજનો વંચિત રહ્યા છે. ગ્રામજનો દ્વારા અનેક રજુઆતો કરવા છતાં પણ આજેપણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે.

ખડોદી ગામના ફળિયામાં માર્ગની સુવિધા હજુ સુધી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જયારે નલ સે જલ યોજના અંતર્ગત લોકોને પીવાનુ પાણી પણ મળતુ નથી. ગામમાં 50 જેટલા બાળકોનુ પ્રા.શિક્ષણ પણ મકાનના અભાવે રઝળી રહ્યુ છે. ગામના બસ સ્ટેન્ડથી મોતીપુરા ખરેડી ફળિયુ આશરે એકથી દોઢ કિ.મી.નો રસ્તો આજ સુધી અનેક રજુઆતો કરવા છતાં પણ બન્યો નથી. જેના કારણે શાળાએ જતા બાળકો કોતરોમાં ઉતરી શાળાએ જાય છે. ચોમાસામાં પાણી કોતરોમાં વધારે હોય ત્યારે બાળકો શાળામાં જઈ શકતા નથી. જેના કારણે બાળકોનુ શિક્ષણ બગડી રહ્યુ છે. ગામમાં કોઈ વ્યકિત બિમાર હોય તો રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામના ફળિયા સુધી પહોંચી શકતી નથી. વારંવાર રજુઆતો બાદ પણ અવર જવર માટે રોડ બન્યો નથી. અગાઉ 600 મીટરનો રોડ મંજુર થયો હતો પરંતુ તે બન્યો નથી. ખાનપુર તાલુકા મથકની વહીવટી કચેરીઓથી માત્ર ચાર -પાંચ કિ.મી.ના અંતરે આવેલા ગામના ગ્રામજનો ઉચ્ચકક્ષા સુધી લેખિત રજુઆતો કરી પણ ગામનો રસ્તો મળ્યો નથી. ગામમાં હજુ સુધી નલ સે જલ યોજનામાં જલ પહોંચ્યુ નથી. આ યોજનાનો લાભ ગ્રામજનોને કયારે મળશે તે પણ એક સવાલ છે. વધુમાં ખડોદી ગામમાં પ્રાથમિક સુવિધા વગર પ્રા.શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એકથી પાંચ ધોરણની શાળામાં અંદાજિત 40 થી 50 બાળકોને બ્રાહ્મણ પંચની વાડીમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના ઓરડા ડિસમેન્ટલ થયા બાદ નવીન શાળા બાંધકામનો ઓર્ડર થયા બાદ પણ કામ હજુ શરૂ કરવામાં આવ્યુ નથી. પાયાની સુવિધાની અનેક સમસ્યાઓથી ધેરાયેલા ખડોગી ગામના સરપંચને જણાવ્યુ કે, તમામ સમસ્યાઓ અંગે અનેક રજુઆતો કરી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી.