મુંબઇ,શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ઉજ્જવળ ભવિષ્ય છે. તેઓ ભાજપમાં જોડાશે નહીં. તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. તે ન તો ભાજપમાં જોડાશે કે ન તો તેમના ગુલામ બનશે. અમને પવારમાં પૂરો વિશ્ર્વાસ છે. રાઉતે મીડિયાને આ વાત જણાવી હતી તેમણે કહ્યું કે અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. મને નથી લાગતું કે તે આવું કામ કરશે અને ભાજપમાં જોડાશે.રાઉતે કહ્યું કે અજિત પવારનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ઉજ્જવળ ભવિષ્ય છે. તેઓ ભાજપમાં જોડાશે નહીં.
રાઉતે કહ્યું કે આગામી દિવસોમાં અજિત પવાર અને નાના પટોલે સાથે ચર્ચા કરવામાં આવશે. ૧૬મીએ નાગપુરમાં અમારી રેલી છે અને તે રેલી પહેલા અમે તેમની સાથે વાત કરીશું. એનસીપી સુપ્રીમો શરદ પવાર વડીલ છે અને અમે તેમની સાથે છીએ. ગઈ કાલે મેં અને ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમારો સંબંધ ફેવિકોલ જેવો છે, તેને કોઈ અલગ કરી શકે તેમ નથી. આમાં કોઈ મૂંઝવણ નથી.
રાઉતે કહ્યું કે હું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેજસ્વી યાદવની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું સ્વાગત કરું છું. અમે વિપક્ષના નેતા તરીકે સાથે છીએ. એક્તાની દિશામાં આ એક સકારાત્મક પગલું છે, બધા વિપક્ષો સાથે આવીને લડશે.
અજિત પવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેની ટીકા કરતા કહ્યું કે તેમની ટિપ્પણીઓ મહાવિકાસ અઘાડીમાં ભાગલા પાડે છે. ઘણી વખત નાના પટોલે આવી વાતો કહે છે જેના કારણે મહાવિકાસ અઘાડીમાં મતભેદ થાય છે. જો તેમને કોઈ વાંધો હોય તો તેમણે મીડિયામાં જવાને બદલે જયંત પાટિલ કે ઉદ્ધવ ઠાકરે સમક્ષ રજુઆત કરવી જોઈએ.
પટોલેએ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે તેમણે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને તેમના મંતવ્યો પહોંચાડ્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગે છે કે અજિત પવાર તથ્યોથી વાકેફ નથી. અમે તેમના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલને જાણ કરી હતી. જો તેઓએ કહ્યું નહીં, તો તે તેમની ભૂલ છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે ગઠબંધન કેન્દ્રમાં શાસક પક્ષ સામેની લડાઈને નબળી પાડશે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સારો સંકેત નથી, પરંતુ મને નથી લાગતું કે અજિત પવાર ભાજપમાં જોડાશે.