ભટિંડા મિલિટરી સ્ટેશનમાં રેડ એલર્ટ, બે શકમંદોની શોધખોળ ચાલુ

  • આજે વધુ એક જવાનનું ગોળી વાગવાથી મોત, ગઈકાલના ફાયરિંગ સાથે કોઈ લેવાદેવા નહીં.

લુધિયાણા,પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સેનાના ચાર જવાનની ગોળી મારીને હત્યા કરનારા બે શંકાસ્પદ હુમલાખોરની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ તેમને શોધવા માટે સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે. બીજી તરફ, ઘટનાના ૨૪ કલાક બાદ પણ સૈન્ય વિસ્તારમાં રેડ એલર્ટ જારી છે. સૈન્ય વિસ્તારની સ્કૂલો આજે પણ બંધ રાખવામાં આવી છે. લોકોને બાળકોને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન ગુરુવારે સવારે મિલિટરી સ્ટેશનની અંદર અન્ય એક સૈનિકનું ગોળી વાગવાથી મોત થયું છે. આ ઘટના બુધવારે રાત્રે યુનિટની ઓફિસ પાસે બની હતી. તપાસમાં જાણવા મળ્યું કે ડ્યૂટી પર તહેનાત ગુર તેજસ લહુરાજના માથામાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. મિલિટરી પોલીસ તપાસ કરી રહી છે કે શું સૈનિકે આત્મહત્યા કરી છે કે કોઈએ ગોળી મારી છે અથવા એ અકસ્માત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલના ફાયરિંગ સાથે આ ઘટનાને કોઈ લેવાદેવા નથી.

આ તરફ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાર જવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમની છાતીના ભાગે ગોળીઓ વાગી હતી. આજે જવાનોના મૃતદેહોને તેમના ગામ મોકલવામાં આવશે. જોકે સૈન્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મોડી રાત સુધી ચાલુ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શૂટર્સ લશ્કરી યુનિફોર્મમાં નહોતા. તેમણે સાદાં કપડાં પહેર્યા હતા. ૮૦ મીડિયમ રેજિમેન્ટના આ જવાનો ઓફિસર્સ મેસમાં ગાર્ડ ડ્યૂટી પર તહેનાત હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જવાનો પર ઇન્સાસ રાઇફલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ૧૯ ખાલી મેગેઝિન પણ જપ્ત કર્યા છે. ફાયરિંગ કરનારા ૨ લોકો સફેદ કુર્તા-પાયજામા પહેરીને આવ્યા હતા. મોઢું ઢાંકેલું હતું. ભટિંડા પોલીસે આમાં ટેરર એન્ગલને ઈનકાર કર્યો નથી.

ઘટનાના બે દિવસ પહેલાં યુનિટના ગાર્ડ રૂમમાંથી ઇન્સાસ રાઈફલ અને ગોળીઓ ગુમ થઈ ગઈ હતી. પોલીસ અને સેનાને આ ઘટનામાં આ રાઈફલનો ઉપયોગ થયો હોવાની શંકા છે. સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સર્ચ ટીમને એક ઇન્સાસ રાઇફલ મળી છે, જેમાં કેટલાક મેગેઝિન પણ છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે રાઈફલને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે, જેના પરથી સ્પષ્ટ થશે કે આ ઘટના આ રાઈફલથી થઈ છે કે નહીં. સેનાએ પણ કોઈ શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હોવાનો ઈનકાર કર્યો છે.

ફાયરિંગ બાદ મિલિટરી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેનાના વિસ્તારમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંદર રહેતા સૈનિકોના પરિવારોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કેન્ટોનમેન્ટની અંદરની શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. પોલીસે આ મામલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે. મૃતકોમાં સાગર બન્ને, કમલેશ આર, યોગેશ કુમાર જે, સંતોષ કુમાર નાગરાલનો સમાવેશ થાય છે, જેમાંથી ૨ જવાન કર્ણાટકના અને ૨ તામિલનાડુના છે. તેમની ઉંમર ૨૪થી ૨૫ વર્ષની છે. તેઓ હજી માત્ર ૩-૩ વર્ષથી જ નોકરી કરી રહ્યા હતા. ગોળીબાર કરનારા નાગરિકો હતા કે સેનાના જવાન એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પંજાબ પોલીસ મિલિટરી પોલીસ સાથે મળીને ટેરર એંગલની પણ તપાસ કરી રહી છે. અંદર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.