- નાગાલૅન્ડની પૅટર્ન મુજબ એનસીપી સરકારને સમર્થન આપે એવી શક્યતા.
એનસીપીના ચીફ શરદ પવારે અદાણી મામલે જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (જેપીસી) બનાવવાની માગણી, સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન, ઈવીએમ મુદ્દે વિરોધ પક્ષોથી જુદું વલણ રાખવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપતી વખતે વિશ્ર્વાસમાં નહોતા લીધા એવાં નિવેદનો આપ્યાં છે. એટલું જ નહીં, પક્ષનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવ્યા બાદ શરદ પવાર બીજેપી સાથે મળીને રાજ્યમાં ફરી સત્તામાં સામેલ થવા માટેના પ્લાન પર કામ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. શિવસેનાના સત્તાસંઘર્ષનો સુપ્રીમ કોર્ટમાં અનામત રાખવામાં આવેલો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે અને એમાં જો એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરે તો સરકાર બચાવવા માટે બીજેપીને આટલા વિધાનસભ્યોની જરૂર પડશે એટલે બીજેપી પણ એનસીપી સાથે હાથ મિલાવી શકે છે. તાજેતરમાં નાગાલૅન્ડમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ સહયોગી પક્ષો સાથે સરકાર બનાવી હતી ત્યારે એનસીપીના સાત વિધાનસભ્યોએ પણ સરકારને સમર્થન આપીને સૌને ચોંકાવી દીધા હતા. આવો જ પ્રયોગ મહારાષ્ટ્રમાં થઈ શકે છે.
એનસીપીના સુપ્રીમો શરદ પવાર ક્યારે શું કરશે એ કોઈ કહી ન શકે. એક તરફ ૨૦૨૪માં લોક્સભાની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા માટે વિરોધ પક્ષો એકત્રિત થવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી, વીર સાવરકરનું અપમાન, અદાણીની જેપીસી તપાસ અને ઈવીએમના મામલે જુદો રાગ આલાપ્યો છે. આથી વિરોધીઓના બીજેપીને કેન્દ્રમાં ચોતરફ ઘેરવાના પ્લાનમાં શરદ પવારે ફાચર મારી છે. બીજી બાજુ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની રાજ્ય સરકાર સામે પ્રતિકાર કરવા માટે મહાવિકાસ આઘાડી પક્ષો દ્વારા વજ્રમુઠ જાહેર સભાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે શરદ પવારના ભત્રીજા અને રાજ્યના વિરોધ પક્ષના નેતા અજિત પવાર બે દિવસ રહસ્યમય રીતે ગાયબ થવાથી લઈને તેઓ ૧૬ વિધાનસભ્યો સાથે બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવાઈ રહી છે. ગઈ કાલે બપોરે અજિત પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મળીને દોઢેક કલાક મુલાકાત કરી હતી.
અજિત પવાર ૧૬ વિધાનસભ્યો સાથે બીજેપીમાં જોડાવાની શક્યતા સામાજિક અને રાજકીય કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે ટ્?વીટ કરી હતી. એમાં તેમણે લખ્યું હતું કે ‘આજે મંત્રાલયમાં કોઈક કામ માટે ગઈ હતી. અહીં એક વ્યક્તિએ મને રોકી અને એક મજાની માહિતી આપી. તેના કહેવા મુજબ ૧૫ વિધાનસભ્યો અપાત્ર ઠરવાના છે અને અજિત પવાર બીજેપી સાથે જશે. આ જલદી જોવા મળશે. હજી કેટલી દુર્દશા મહારાષ્ટ્રના રાજકારણની થશે.’અંજલિ દમણિયાની ટ્વીટથી ગઈ કાલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ખુદ અજિત પવારે એક વાક્યમાં જવાબ આપ્યો હતો કે આટલી મોટી વ્યક્તિ વિશે હું શું કહું?