
રાજકોટ,આજે રેલવે વિભાગ દ્વારા દેશભરમાં વિવિધ સ્થળોએ ’રોજગાર મેળા’ યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ગુરુવારે ’રોજગાર મેળા’ અંતર્ગત લગભગ ૭૧,૦૦૦ યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રો આપ્યા હતા. જેમાં રાજકોટના ૨૫ યુવાનોને પણ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. રાજકોટના રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ તકે તેમણે સ્ટેજ પરથી યુવાનાને સંબોધિત કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પહેલા તો ભરતી બહાર પડે ત્યારે નોકરીના ઈન્ટરવ્યૂ આવતા, ઈન્ટરવ્યૂના ફોર્મ ભર્યા પછી અધિકારીઓના સહી-સિક્કા માટે ઘણા ધક્કા ખાવા પડતા. ફોર્મ ભર્યા પછી ફોર્મ સમયસર પહોંચશે કે નહીં એનું ટેન્શન રહેતું. કેટલી મહામહેનતે ઈન્ટરવ્યૂ આપી દીધા હોય તો તેના પરિણામ આવે નહીં. જાત જાતની અટકળો આવતી, માર્કેટમાં દલાલો રખડતા.
તેમણે જણાવ્યું હતું કે, હવે આ બધી જ પંપાળોને છોડી દઈને ઓન બોર્ડ એક્સાથે પ્રધાનમંત્રી બટન દબાવેને ૭૦ હજાર યુવાનોને નોકરીને નિમણૂક પત્ર મળી જાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભાજપ સરકારે ઉમેદવારને થતી દુવિધા બંધ કરાવી છે. હવે પ્રધાનમંત્રી બટન દબાવે એટલે સીધી નોકરી મળે છે. પ્રધાનમંત્રીએ ભારતની નવી છબી ઊભી કરી છે. એટલા માટે હું માનું છું કે આ નવા ભારતની નવી તસવીર છે.
આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે રોજગાર મેળામાં નવનિયુક્ત કર્મીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી લગભગ ૭૧,૦૦૦ યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા છે. આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે, જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.