નવીદિલ્હી,ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ ૨૦૨૩ની ૧૭મી મેચમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લા બોલે ચેન્નાઈ સુપર કિંગ્સને ૩ રનથી હરાવ્યું હતું. રોમાંચક આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૫ રન બનાવ્યા હતા.જવાબમાં ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેની અડધી સદી, ધોની અને જાડેજાની ઈનિંગ્સ પણ ટીમને જીત અપાવી શકી ન હતી. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં ૨૧ રનની જરૂર હતી. આ ઓવરમાં સંદીપ શર્માએ ૧૭ રન બનાવ્યા હતા. ધોનીએ સતત બે સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર પાંચ રનની જરૂર હતી, પરંતુ સંદીપ શર્માએ યોર્કર ફેંકીને માત્ર એક રન બનાવ્યો હતો.
ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. જોકે જયસ્વાલ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. દેવદત્ત પડિકલને બેટિંગ કરવાની તક મળી. પડિકલે ૩૮ રન બનાવ્યા હતા. કેપ્ટન સેમસન શૂન્ય રને આઉટ થયો હતો. તેને જાડેજાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. બટલરે તેની આઇપીએલ કારકિર્દીની ૨૨મી અડધી સદી પૂરી કરી. બટલરે ૩૬ બોલમાં ૫૨ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે તે ઓરેન્જ કેપ રેસમાં લાંબી છલાંગ લગાવીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન (૨૨૫ રન) ટોપ પર છે, જ્યારે ડેવિડ વોર્નર (૨૦૯ રન) બીજા નંબર પર પહોંચી ગયો છે. ત્રીજા નંબરે બટલર (૨૦૪ રન), ચોથા નંબર પર ૠતુરાજ ગાયકવાડ (૧૯૭ રન) અને પાંચમા નંબરે ફાફ ડુ પ્લેસિસ (૧૭૫ રન) છે.
આઇપીએલ ૨૦૨૩ ની પર્પલ કેપ રેસમાં લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વુડના નામે અત્યાર સુધી ૩ મેચમાં ૯ વિકેટનો રેકોર્ડ છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલના નામે ૪ મેચમાં ૧૦ વિકેટ નોંધાઈ છે. માર્ક વૂડ હવે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર રાશિદ ખાન છે જેણે ૮ વિકેટ લીધી છે. ચેન્નાઈનો તુષાર દેશપાંડે ૭ વિકેટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાંચમા નંબર પર રવિચંદ્રન અશ્ર્વિન છે, તેના નામે ૬ વિકેટ છે. તેણે ચેન્નાઈ સામે બે વિકેટ ઝડપી હતી.