હું પણ ગઝનવીની જેમ સોમનાથ મંદિર તોડવા નિકળ્યો છું : પાક. નેતા

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સાથી અને પીટીઆઇ પક્ષના નેતા શાહ મહમૂદ કુરૈશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ભારત વિરોધી ઝેર ઓંકી રહ્યા છે. આ વીડિયો ઇમરાન ખાનના પક્ષની એક રેલીનો છે જેમાં પાક.ના વિદેશ મંત્રી રહી ચુકેલા શાહ મહમૂદ કુરૈશીએ ભારતમાં હિન્દુ મંદિરો પર હુમલાની ચીમકી આપી હતી અને મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જ્યારે કુરૈશી હિન્દુ વિરોધી નિવેદન આપી રહ્યા હતા ત્યારે ત્યાં પાક.ના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પણ હાજર હતા, ઇમરાન ખાને કુરૈશીના ભારત વિરોધી નિવેદન પર તાળીઓ પાડી હતી. કુરૈશી કહી રહ્યા છે કે અને હું પણ ગજનવીની જેમ જ સોમનાથ મંદિરને તોડી પાડવા નિકળ્યો છું. આટલુ સાંભળતા જ લોકોએ તાળીઓ પાડી હતી. પાકિસ્તાન હાલ આથક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે, લોકોને ભોજન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવાના પણ ફાંફા છે એટલી મોંઘવારી વધી ગઇ છે.

પાકિસ્તાનમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધી ગયું છે. પૂરામાં અનેક લોકો માર્યા ગયા, આવી અનેક મૂળભૂત સમસ્યાઓ મુદ્દે સરકારને ઘેરવાના બદલે પાકિસ્તાનના વિપક્ષ પીટીઆઇના નેતાઓ ભારત વિરોધી ઝેર ઓકીને પાકિસ્તાનની જનતાને મુર્ખ બનાવી રહ્યા હોવાની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા છે. ત્યારે પાકિસ્તાનના વિપક્ષના નેતા કુરૈશી દ્વારા ફરી ભારત વિરોધી નિવેદન આપવામાં આવ્યું છે અને ગુજરાતના સોમનાથ મંદિર પર હુમલાની ધમકી પણ આપી છે.