જકાર્તા,મુસ્લિમો માટે પવિત્ર ગણાતી અલ-અક્સા મસ્જિદને લઈને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. રમઝાન દરમિયાન પેલેસ્ટિનિયન મુસ્લિમો અને ઇઝરાયેલ પોલીસ વચ્ચે ઘણીવાર હિંસા જોવા મળી છે. આ રમઝાનમાં પણ અલ-અક્સા મસ્જિદને લઈને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ થયું હતું. પેલેસ્ટિનિયનોએ ગયા અઠવાડિયે ઇઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલી દળોએ અલ-અક્સા મસ્જિદમાં નમાજ માટે ભેગા થયેલા ડઝનેક પેલેસ્ટિનીઓ પર હુમલો કરી દીધો હતો અને ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મોટો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર ઈઝરાયેલની સેનાના દરોડા સાથે જોડાયેલા અનેક વીડિયો વાયરલ થયા બાદ ઘણા ઈસ્લામિક દેશોએ ઈઝરાયેલને ચેતવણી પણ આપી હતી. દરમિયાન હવે ઇઝરાયેલના વડાપ્રધાને આ વિવાદને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં ગયા અઠવાડિયે થયેલી અથડામણ પછી વિવાદને રોકવા માટે રમઝાનના અંત સુધી યહૂદીઓને ટેમ્પલ માઉન્ટની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારથી યહૂદીઓ પર આગામી ૧૦ દિવસ માટે ટેમ્પલ માઉન્ટની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડને યહૂદીઓ ટેમ્પલ માઉન્ટ કહે છે.
હકીક્તમાં, મુસ્લિમો પરંપરાગત રીતે રમઝાનના છેલ્લા ૧૦ દિવસો અલ-અક્સા મસ્જિદમાં વિતાવે છે. તે એતેકાફની ઇસ્લામિક પ્રથાનો એક ભાગ છે. આમાં, મુસ્લિમ સમુદાયના લોકો અલ્લાહની ઇબાદતમાં સંપૂર્ણ સમય ફાળવવાના હેતુથી રમઝાનના છેલ્લા ૧૦ દિવસોમાં મસ્જિદમાં પોતાને અલગ કરી લે છે.