ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ,સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, સૈનિક પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને શૈક્ષણિક જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી- મોરા- સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ એક દિવસીય એકલવ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પરીક્ષા યોજાવવાની છે તેના અનુસંધાનમાં સંજેલી તાલુકાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા વિશે સમજ આપવામાં આવી હતી. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્ર્વિનભાઈ સંગાડા દ્વારા એકલવ્ય પરીક્ષા પદ્ધતિના માળખા વિશે સમજ આપવામાં આવી હતી અને પેપરમાં કેવી રીતે ઓ.એમ.આર પદ્ધતિથી લખી શકાય તેની સમજ આપી હતી. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સુખસરના સંચાલક રાજુભાઈ મકવાણાએ એકલવ્યના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા . આ સેમિનારનું આયોજન ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના આપવામાં આવી હતી. આ સેમિનારમાં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને દિલીપકુમાર મકવાણા એ આભાર વ્યક્ત કર્યો હતો.