દાહોદ,દાહોદ શહેરના અક્ષર એપાર્ટમેન્ટમાં તથા વ્રજધામ સોસાયટીના મળી કુલ આઠ જેટલા મકાનોના તાળા તુટ્યાની શાહગી પણ હજી સુકાઈ નથી ત્યાં તો શહેરના ગોવિંદનગર ખાતેથી સહયોગ નગર સોસાયટીમાં ગત મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ એક મકાનના ત્રીજા માળના રૂમના દરવાજાનું તાળુ નકુચા સાથે તોડી નાંખી ઘરમાં પ્રવેશી પેટી પલંગના અંદર ગાદલાની અંદર પ્લાસ્ટીકના ડબ્બામાં મૂકી રાખેલ રૂા. 8.03 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
દાહોદ ગોવિંદનગર સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા બળવંતસિંહ કાળુભાઈ બેરાવતના મકાનને ગત તા. 11-4-2023 રાતના પોણા નવ વાગ્યાથી બીજા દિવસે બપોરના પોણો વાગ્યા દરમ્યાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તે મકાનના ત્રીજા માળના રૂમના દરવાજાનું તાળું નકુચા સાથે તોડી નાંખી તે દરવાજા વાટે મકાનમાં પ્રવેશ્યા હતા અને પેટી પલંગની અંદર, મૂકેલ ગાદલાની અંદર સાચવીને મૂકેલ પ્લાસ્ટીકના ડબ્બામાં મૂકી રાખેલ આશરે રૂા. 8,03,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ઘરધણી બળવંતસિંહ કાળુભાઈ બૈરાવતે નોંધાવેલ ફરિયાદને આધારે એ ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ડોગસ્કવોર્ડ તથા એફએસ એલની મદદની માંગણી કરી છે.