ભારતીય સેનાના વર્ષ 1971માં શૌર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે સમગ્ર દેશમાં દર વર્ષે તા.16મી ડિસેમ્બરના રોજ ‘વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આપણા વીર સૈનિકોએ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની મોટી સેનાના હાડકા ખોખરા કરી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને સજ્જડ હારનો સ્વાદ ચખાડ્યો હતો. પૂર્વ સૈનિક સેવા પરિષદના ઉપક્રમે સુરત અને નવસારીના 70થી વધારે નિવૃત્ત આર્મી, નેવી અને એરફોર્સના મેટ્રનોએ સાંસદ સી.આર.પાટિલની ઉપસ્થિતિમાં સુરત ખાતે વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
પૂર્વ સૈનિક સેવા પરિષદના પ્રમુખ અને માર્ગદર્શક એમ.એમ.શર્માએ યુદ્ધની યાદગાર પળોને યાદ કરતા કહ્યું કે, પાકિસ્તાની સેનાએ 25 માર્ચ, 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં યુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પાકિસ્તાને તેને ‘ઓપરેશન સર્ચ લાઈટ’ નામ આપ્યું હતું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ આ દરમિયાન લગભગ 30 લાખ લોકો માર્યા ગયાં હોવાનું અનુમાન હતું. પાકિસ્તાન સરકાર તરફથી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફક્ત 26 હજાર લોકોના મોતની જ પુષ્ટિ કરી હતી.
71ના યુદ્ધની ગાથાને યાદ કરતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર અને નવી સિવિલ હોસ્પિટલના ચિફ સિક્યુરીટી ઓફિસર હરેન ગાંધીએ જણાવ્યું કે, વિજય દિવસ ઇતિહાસ 1971ના સમયનો છે જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું અને લગભગ 13 દિવસ ચાલ્યું હતું. 03 ડિસેમ્બરથી શરૂ થયેલા યુદ્ધમાં 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સૈન્યએ ભારતના ઘૂંટણિયે આવી હાર સ્વીકારી હતી. પરિણામે નવા દેશ બાંગ્લાદેશની રચના થઈ. પૂર્વ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ.એ.કે.નિયાજીએ પોતાની સેનાના 93 હજાર સૈનિકો સાથે 16 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા આગળ ઘૂંટણિયા ટેકવી સમર્પણ કર્યું હતું. અને ભારતીય સૈન્ય અને બાંગ્લાદેશની મુક્તિવાહિનીના શરણે થયાં હતાં. ત્યારથી દેશમાં 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને દર વર્ષે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે.
1947 પછીની ભારતીય સેનાની વિરગાથાને બાળકોના અભ્યાસક્રમમાં ઉમેરવી જોઈએ, જેથી કરીને બાળકોમાં રાષ્ટ્ર માટે માન-સન્માનની ભાવના જાગે અને દેશ પ્રત્યેનો પ્રેમ કાયમ રહે એવી અપેક્ષા ગાંધીએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે સાંસદ સી.આર. પાટીલે રિટાયર આર્મી મેટ્રનને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ સૈનિક સેવા પરિષદ, ગુજરાત પ્રાંતના વાઈસ પ્રેસિડન્ટ એરફોર્સ વેટરન ધ્રુવ સ્માર્ત, માજી સૈનિક સેવા મંડળ-સુરતના પ્રસિડેન્ટ એરફોર્સ વેટરન સુરેન્દ્ર પટેલ, પૂર્વ સૈનિક સેવા પરિષદ-નવસારીના કર્નલ શાહ, અગ્રણી કિશોરભાઈ સહિત અનેક નિવૃત્ત આર્મી, નેવી, એરફોર્સ મેટ્રન, તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહી વિજય દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.