કાલોલ,કાલોલ જીઆઈડીસી વિસ્તારના પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદા સંપની લાઈનમાં છેલ્લા દસ દિવસથી લીકેજ સર્જાતા રોજનુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છતાં નર્મદા નિગમ દ્વારા લીકેજનુ સમારકામ કરાતુ નથી.
કાલોલ શહેર પાસેની બોરૂ રોડ સ્થિત નર્મદા મુખ્ય કેનાલ પરના નર્મદા ફિલ્ટર પ્લાન્ટમાંથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડતી મુખ્ય સંપની લાઈનો પૈકીની સણસોલી, ઝેરના મુવાડા, અંબાલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડતી મુખ્ય લાઈનમાં જીઆઈડીસી વિસ્તારના એક ખેતરમાં છેલ્લા દસ દિવસથી લીકેજ સર્જાયુ છે. જેના કારણે રોજનુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેમજ આ પાણીના કારણે ખેતરના પાકને પણ નુકસાન થઈ રહ્યુ છે. આ લીકેજ અંગે નર્મદા નિગમની કચેરીમાં રજુઆત કરવા છતાં તેનુ રિપેરીંગ કરવામાં આળસ કરાઈ રહી છે. હાલ ઉનાળાના સમયમાં કેટલાય વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે અહિં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા આ લીકેજનુ વહેલી તકે સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.