પીએમ મોદીએ મુખ્યમંત્રી ગેહલોતના વખાણ કર્યા,હું અશોક ગેહલોતજીનો આભાર માનું છું કે તેમણે એક મિત્ર તરીકે મારામાં જે વિશ્ર્વાસ મૂક્યો છે

  • મોદીએ રાજસ્થાનની પહેલી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેનને લીલીઝંડી આપી.

નવીદિલ્હી,પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનની પહેલી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેનને લીલીઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરથી દિલ્હી જતી ૧૫મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી છે. દિલ્હીને રાજસ્થાન સાથે જોડીને અજમેરથી જયપુર થઈને દિલ્હી જશે. પીએમ નરેન્દ્ર મોદીએ તેને જયપુરથી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારે રાજસ્થાન માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અશોક ગેહલોતના વખાણ કરતાં કહ્યું કે અશોક ગેહલોત આજકાલ રાજકીય ઉથલપાથલ અને સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

આ પછી પણ જો તમે આ કાર્યક્રમમાં આવ્યા છો તો તે મોટી વાત છે. પીએમ મોદીએ કહ્યું કે અશોક ગેહલોતજી આ દિવસોમાં રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છે અને સંકટમાં છે. આ પછી પણ તેઓ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે. હું અશોક ગેહલોતજીનો આભાર માનું છું કે તેમણે એક મિત્ર તરીકે મારામાં જે વિશ્ર્વાસ મૂક્યો છે.

વંદે ભારતના ઉદ્ધાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ગેહલોતને કહ્યું કે તમારા બંને હાથમાં લાડુ છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ પણ રાજસ્થાનના છે અને રેલવે બોર્ડના ચેરમેન પણ આ રાજ્યના છે. તેમણે કહ્યું કે ૨૦૧૪ પહેલાની તુલનામાં હવે રાજસ્થાનના રેલવે બજેટમાં ૧૪ ગણો વધારો થયો છે. રેલવે લાઈનો ડબલ કરવાની ગતિ પણ બમણી થઈ ગઈ છે.

પીએમ મોદીએ રાજસ્થાન માટે કરેલા કાર્યોની યાદી આપીપીએમ મોદીએ કહ્યું કે અમે આ રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીની સાથે રોડ નેટવર્કને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. પાલી, ચિત્તોડગઢ, ડુંગરપુર જેવા જિલ્લાઓમાં રેલવેની કાયાપલટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત ગૌરવ સકટ ટ્રેનોનું પણ સંચાલન કર્યું છે. જેનાથી દેશનું ગૌરવ વધી રહ્યું છે. રેલવે દ્વારા એક અન્ય પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે રાજસ્થાનની પ્રોડક્ટ્સને લોકપ્રિયતા મળી રહી છે. વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા રાજસ્થાનમાં બનેલી પ્રોડક્ટનું જોરદાર વેચાણ થઇ રહ્યું છે. આ સાથે જ રાજસ્થાનના નાના ખેડૂતો અને હસ્તકળાઓને બજારમાં પહોંચવા માટે એક નવું માયમ મળ્યું છે.

વાસ્તવમાં આ દિવસોમાં રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ફરી એકવાર જંગ જામ્યો છે. અગાઉની વસુંધરા સરકારના કથિત ભ્રષ્ટાચાર સામે ગેહલોત સરકારની કોઈ કાર્યવાહી ન કરવા બદલ સચિન પાયલટે મંગળવારે એક દિવસ માટે પણ ઉપવાસ કર્યા હતા. રાજસ્થાનની ચૂંટણીના થોડા મહિના પહેલા સચિન પાયલટની બળવાખોર રણનીતિએ ફરી એકવાર અશોક ગેહલોત અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે.