ઝારખંડ: ભાજપના પાંચ સાંસદો અને પૂર્વ મુખ્યમંત્રી સહિત ૪૧ સામે એફઆઇઆર,રમખાણો ભડકાવવાનો આરોપ

રાંચી,મોડી રાત્રે રાંચીના ધુરવા પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉપેન્દ્ર કુમારના નિવેદન પર સચિવાલયને ઘેરી લેવાનો પ્રયાસ, અશાંતિ, પથ્થરમારો અને હંગામાના સંદર્ભે FIR દાખલ કરવામાં આવી હતી. FIR માં ભાજપના પાંચ સાંસદો, ત્રણ ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ સહિત ૪૧ નામાંક્તિ અને અન્ય અજાણ્યા હજારો કાર્યર્ક્તાઓને આરોપી બનાવવામાં આવ્યા છે.

તમામ આરોપીઓ સામે ઉપદ્રવ, રમખાણ ભડકાવવા, સરકારના નિર્દશોનું ઉલ્લંઘન કરવું, સરકારી કામમાં અવરોધ, ગુનો કરવા માટે ઉશ્કેરણી અને અન્ય વ્યક્તિને નુક્સાન પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૧ એપ્રિલે બીજેપીના સચિવાલય ઘેરાવના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે રાંચીના ડેપ્યુટી કમિશનર અને એસએસપીએ સંયુક્ત રીતે મેજિસ્ટ્રેટ, અધિકારીઓ અને સુરક્ષા દળોની તૈનાતી સંબંધિત આદેશો જારી કર્યા હતા.

શાંતિ વ્યવસ્થા માટે ૧૧ એપ્રિલના રોજ સવારે ૮ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા સુધી ધુર્વા, ગોલચક્કરથી ચાંદની ચોક હટિયા સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. તેમ છતાં ભાજપના તમામ નામાંક્તિ આરોપીઓએ અને અજાણ્યા કાર્યકરોએ બેરિકેડીંગને ઉખેડી નાખવાનો અને હટાવવાનો પ્રયાસ કર્યો , બદમાશ જેવું વર્તન કરવાનું શરૂ કર્યું, પોલીસ દળ અને ફરજ પરના મેજિસ્ટ્રેટને નિશાન બનાવી બોટલો ફેંકી અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બેરિકેડિંગ તોડીને સચિવાલય તરફ જવાનો પ્રયાસ કરતા રહ્યા. બપોરે ૨ થી ૨:૩૦ વાગ્યાની વચ્ચે ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉગ્ર થઈ ગયા હતા. એસડીઓ દીપક કુમાર દુબે, ધુરવાના એસડીઓ, એસએચઓ વિમલ નંદન સિન્હા, ઈન્સ્પેક્ટર નારાયણ સોરેન, કોન્સ્ટેબલ મનીષ કુમાર, કોન્સ્ટેબલ સંતોષ કુમાર શર્મા, અનિલ કુમાર મહતો અને અન્ય પોલીસકર્મીઓ અને ઘટનાનું રિપોટગ કરી રહેલા પત્રકારો પથ્થરમારો અને લાકડીઓના કારણે ઘાયલ થયા હતા.

ઉપદ્રવીઓને સમજાવવા અને રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વરિષ્ઠ અધિકારીના આદેશ પર વોટર કેનન દ્વારા ભીડ પર પાણીનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓએ ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.