બિહારમાં ભૂકંપના આંચકા, ૪.૩ની તીવ્રતા રહી:સહરસા, મઘેપુરા, કટિહાર, કિશનગંજ, પૂણયા, અરિરિયામાં ભૂકંપ, કેન્દ્ર રાનીગંજ અને બનમનખી વચ્ચે રહ્યું

પટણા,બુધવારે સવારે ૫.૩૦ કલાકે બિહારના સીમાંચલના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સહરસા, મધેપુરા, કટિહાર, કિશનગંજ, પૂણયા, અરરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાનીગંજ અને બનમંખી વચ્ચે હતું. હાલમાં, ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના નુક્સાનની માહિતી હજુ સુધી સામે આવી નથી.

તમને જણાવી દઈએ કે સીમાંચલના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાર બાદ ઘણા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પશ્ર્ચિમ બંગાળના સિલીગુડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમીની ઉંડાઈ નોંધાઇ છે. આ પહેલા રવિવાર અને સોમવારે પણ આંદામાન-નિકોબાર ટાપુઓમાં બપોરે ૨ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે પશ્ર્ચિમ બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં તીવ્રતા ૪.૧ હતી.

ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મતે, ભૂકંપનું વાસ્તવિક કારણ ટેક્ટોનિક પ્લેટોની ઝડપી હિલચાલ છે. આ સિવાય ઉલ્કાની અસર અને જ્વાળામુખી ફાટવા, ખાણ પરીક્ષણ અને પરમાણુ પરીક્ષણને કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર ૨.૦ અથવા ૩.૦ની તીવ્રતાનો ધરતીકંપ હળવો હોય છે, જ્યારે ૬ની તીવ્રતાનો અર્થ મજબૂત ધરતીકંપ થાય છે. ધરતીકંપની તીવ્રતા તેના કેન્દ્ર (અધિકેન્દ્ર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગ કંપનનું કારણ બને છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ભૂકંપનું કેન્દ્ર છીછરી ઊંડાઈ પર હોય તો તેમાંથી નીકળતી ઊર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ થાય છે.