અમદાવાદ,મહાઠગ કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. કિરણ પટેલના ઘરેથી બેંક એકાઉન્ટની વિગત, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ કબજે કરી હતી. બેંક એકાઉન્ટની વિગતની તપાસ કરતા બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ પણ નહોતું. કિરણ અને માલિની છેલ્લા ૪ વર્ષથી કોઈ આઇટી રિટર્ન પણ ભરતા નહોતા. બેંકમાંથી લોન મેળવી નથી. કોઈ લોન મેળવવા અરજી પણ કરી નથી. જે સ્ટેમ્પ મળ્યા તે પણ જૂના હતા. જે અગાઉ કંપની શરૂ કરવાની હતી, પરંતુ કંપની શરૂ નહોતી કરવામાં આવી. આ ઉપરાંત કોલ ડિટેલ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
કાશ્મીરમાં શાનથી ફરતો અને પોતે પીએમઓમાં હોવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરતા કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. કિરણ પટેલ સામે ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૩૬ કલાકની મુસાફરી કરીને તેને લઈને અમદાવાદ પહોંચી હતી. શ્રીનગરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કિરણની કસ્ટડી લઈને ટીમ ગુજરાત આવી પહોંચી હતી. આ અગાઉ કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં બંગલો પચાવી પાડવા સહિતના ગુના અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ૨૨ માર્ચ ૨૦૨૩એ ફરિયાદી જગદીશ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કિરણ પટેલ અને તેના પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે, કિરણ પટેલ સામે પ્રાથમિક દ્રષ્ટીએ ૫ ગુના નોંધાયેલા છે. બંગલો પચાવી પાડવાના મામલે કિરણ પટેલના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. કિરણ પટેલ સામે બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યો પર ફરિયાદ નોંધાઈ છે, કિરણ પટેલ સામે ચેક બાઉન્સનો પણ કેસ નોંધાયેલો છે.