એમ્બ્યુલન્સમાંથી ૧.૧૮ લાખનો દારૂ ઝડપાયો: ડ્રાઈવરની ધરપકડ

દાહોદ,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ આ દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે! જેમાં પંચમહાલના ભથવાડા ટોલનાકા પાસે ખાનગી એમ્બ્યુલન્સમાંથી પોલીસે ૧ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો છે. આ અંગે મળતી વિગતો મુજબ પીપલોદ પોલીસ ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગમાં હતા.તે વખતે લીમખેડા તરફથી જીજે ૧૦ ડબલ્યુ ૭૨૨૭ નંબરની સફેદ લીલા પટ્ટા વાળી ખાનગી એમ્બ્યુલન્સ ફોરવિલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ગોધરા તરફ જનાર હોવાની બાતમી મળી હતી.

જેના આધારે ભથવાડા ખાતે બાતમીમાં દર્શાવેલ નંબરની સફેદ લીલા પટ્ટા વાળી ખાનગી એમ્બ્યુલન્સ ગાડી નજીક આવતા જ પોલીસે ચારે બાજુથી ઘેરી લઈ પકડી પાડી હતી. ઈ ગુજકોપ એપ્લિકેશનની મદદથી વાહન માલિકનું નામ સર્ચ કરી વિગતો મેળવી હતી. ગાડીમાં તપાસ કરતા એમ્બ્યુલન્સની કેબિનના પાછળના ભાગે એક પેટી જેવા બનાવેલા ચોર ખાનામાં સંતાડીને મુકેલ રૂપિયા ૧૧૮૩૧૦ની કુલ કિંમતની ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૮૫ પકડી પાડી હતી.

તેના ચાલક ગોધરા તાલુકાના મોડવા ગામના વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રાજપૂત)ની અટક કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા ૫.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. એમ્બ્યુલન્સ ચાલક વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રાજપૂત) વિરુધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ દારૂનો જથ્થો કયાંથી લાવી ગોધરા તરફ કોને પહોંચાડવાનો હતો. તે બાબતે પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી.