- માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર
- ઉમેશ પાલ હત્યા કેસના શૂટર હતો અસદ
- ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો છે
ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો. ઝાંસીમાં યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાંચ લાખનું ઈનામ ધરાવનાર અસદ અને મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસને બંને પાસેથી હથિયારો મળી આવ્યા છે.
મહત્વનું છે કે, એક તરફ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ યુપી પોલીસને એક મોટી સફળતા મળી છે. UP STFએ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કર્યું છે. આ સાથે જ ઉમેશ પાલની હત્યા કરનાર મોહમ્મદ ગુલામનું પણ એન્કાઉન્ટર કર્યું છે. જોકે હજી એન્કાઉન્ટરની વિગતો આવવાની બાકી છે.
શું હતો સમગ્ર મામલો ?
24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુપાલ હત્યા કેસમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સ માર્યા ગયા હતા.
ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલામાં શાઇસ્તાની સાથે 5 શૂટર્સ (અસદ, અતીક અહેમદનો પુત્ર, અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબી)ને શોધી રહી હતી. પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે 47 દિવસથી ફરાર અસદ અને ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
તો શું અતીકના આગ્રહને કારણે અસદે કર્યું હતું ફાયરિંગ
મહત્વનું છે કે, અગાઉ એવું બહાર આવ્યું હતું કે, માફિયા અતીક અહેમદના આગ્રહ પર અસદને ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને ગોળી મારી દેવામાં આવી હતી. અસદનું નામ અને ફૂટેજ સામે આવ્યા બાદ શાઈસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. શાઇસ્તાએ અતીક અહેમદને સાબરમતી જેલમાં બોલાવ્યો હતો. શાઇસ્તાએ ફોન પર રડતાં કહ્યું કે, અસદ બાળક છે, તેને આ મામલામાં ન લાવવા જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર અતીકે કહ્યું કે, અસદના કારણે હું 18 વર્ષ પછી શાંતિથી સૂઈ ગયો હતો, ઉમેશ પાલને કારણે મારી ઉંઘ ઉડી ગઈ હતી. અતીકે શાઇસ્તાને ફોન પર કહ્યું હતું કે, અસદ સિંહનો પુત્ર છે, તેણે સિંહનું કામ કર્યું છે.