ઝાલોદ ખાતે નવચેતના જાગરણ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને રકતદાન કેમ્પ યોજયો

દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે મંગળવાર ના રોજ નવચેતના જાગરણ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ વિવિધ સંસ્કારો યુવા સંમેલન, મહિલા સંમેલન,વ્યસનમુક્તિ પ્રદર્શની, પુસ્તક મેળો, સર્વે રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ કાર્યક્રમ સંપન્ન થયો.

તા.4 એપ્રિલથી 7એપ્રિલ દરમિયાન ઇન્દ્રપ્રસ્થ શિવમ પેટ્રોલ પંપ ની પાછળ ઝાલોદ જી દાહોદ મુકામે શાંતિ કુંજ (હરિદ્વાર)ની કેન્દ્રીય ટોલી દ્વારા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. તા.4 એપ્રિલે બપોરના 3:00 કલાકથી વિશ્ર્વકર્મા મંદિરેથી મંગલ કલશ યાત્રા નીકળી સમગ્ર ઝાલોદ નગરમાં પરિભ્રમણ કરી સાંજના પ:00 કલાકે કાર્યક્રમના સ્થળે પરત પહોંચી હતી.તા.5 એપ્રિલ સવારમાં સામૂહિક સાધના ધ્યાન તથા પ્રજ્ઞા યોગ ત્યાર પછી ગાયત્રી મહાયજ્ઞ અને દેવપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો. બપોરના 3:00 કલાકે ગુજરાત રાજ્ય ગાયત્રી પરિવારના યુવા સંયોજક કિરીટભાઈ સોની દ્વારા યુવા સંમેલન યોજવામાં આવ્યું. તેઓની સાથે શાંતિકુંજ ના પ્રતિનિધિ ઓમ પ્રકાશ જાદવ હાજર રહ્યા હતા. જેમાંથી 65 જેટલા યુવા ભાઈ બહેનો યુવા સંગઠનમાં જોડાવાની અને કાર્ય કરવાની તત્પરતા બતાવી છે.

તા.6 એપ્રિલે ગાયત્રી મહાયજ્ઞ તેમજ 110 ભાઈ-બહેનોએ મંત્ર દીક્ષા ,13 બહેનોને પુસંવન સંસ્કાર, 5 નામકરણ સંસ્કાર, 3 વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરના 1: 00થી 3:00 કલાક દરમિયાન સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. બપોરના 3:00 કલાકે પ્રજ્ઞા પુત્રી મીનાક્ષી બહેન કાબરીયા દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું અને સાંજે વિશાળ દીપ યજ્ઞનું આયોજન હતું. કાર્યક્રમના અંતિમ દિવસે મહાયજ્ઞની પૂર્ણાહુતિ દરમિયાન ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા હાજર રહી યજ્ઞમાં આહુતિઓ આપી આરતીમાં ભાગીદારી કરી હતી. ધારાસભ્ય દ્વારા શાંતિકુંજના પ્રતિનિધિઓનું સાલ ઓઢાડી સન્માન તથા 30 જેટલ ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરાયું. ત્યાર પછી તેઓ દ્વારા ઝાલોદ તાલુકાની 262 પ્રાથમિક શાળાઓ માટે જીવન ઉપયોગી સાહિત્ય માટે 21000 રૂપિયા દાન પણ આપવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 38 ભાઈ બહેનોએ રક્તદાન કર્યું. કાર્યક્રમ દરમિયાન જીવન ઉપયોગી સાહિત્ય અડધી કિંમતે આપવામાં આવ્યું હતું. આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલોદ તાલુકા ગાયત્રી પરિવાર તેમજ મુવાડા ગાયત્રી પરિવારના ભાઈ બહેનો અને ગાયત્રી શક્તિપીઠ લીમડીના ભાઈ બહેનોના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત માહિતી પંચમહાલ ઉપઝોનના યુવા સંયોજક ગોપીચંદ ભુરીયા દ્વારા આપવામાં આવે છે.