સીમલીયા ખાતે બાપ-બેટા વચ્ચે શૈક્ષણીક સંસ્થાઓનો વારસો સાચવવાની લડાઈના જંગમાં પુત્ર સામે ફરીયાદ

કાલોલ,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થાઓના સામ્રાજ્યની વચ્ચે પિતા- પુત્ર વચ્ચે અણ બનાવ બનતા દામાવાવ પોલીસ મથકે પુત્ર સામે પિતાએ ફરીયાદ નોંધાવી છે. હાલમાં ખૂબ જ ચકચાર બની ગયેલ પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળ પ્રમુખ તેમજ સીમલીયા ગામે આવેલ શાળા અને કોલેજ ઉપરાંત અન્ય સંસ્થાઓના વહીવટ કરનારા નટવરસિંહ ખુમાનસિંહ ચૌહાણ દ્વારા સંયુકત ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જ ટ્રસ્ટની જમીનો એક ચોક્કસ કોમના લોકોને બારોબાર ભાડા પટ્ટે પધરાવી દેવાનું પાપ છાપરે ચડીને પોકારી ઉઠ્યા પછી છેલ્લા કેટલાક સમયથી તેઓએ તેમના પુત્ર અને ઘણી બધી સંસ્થાઓ માં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા રઘુવીરસિંહ નટવરસિંહ ચૌહાણને દર કિનાર કરી દેતા બાપ બેટા વચ્ચે ગજ ગ્રાહ જામ્યો હતો. ઘણી બધી સંસ્થાઓના વહીવટ માંથી પુત્રની બાદબાકી કરી દેતા બન્ને વચ્ચે અવિશ્વાસ સર્જાયો હતો. ત્યારે મંગળવારે મોડી રાત્રે સવા અગિયાર વાગે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, સાંજે છ કલાકે તેમનો પુત્ર રઘુવીરસિંહ માં-બેન સમાણી ગંદી ગાળો બોલી તું મને મિલ્કતમાં ભાગ આપતો નથી અને પૈસા આપતો નથી. જો મને મિલ્કતમાં ભાગ નહી આપે તો તને જીવતો છોડવાનો નથી, એમ કહીને ઘરના દરવાજા બારી બારણાના કાચ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે પિતાની ફરીયાદ આધારે પુત્ર સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સમગ્ર શૈક્ષણિક જગતમા આ બનાવ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકચર્ચા મુજબ નટવરસિંહની ઘણી બધી સંસ્થાઓના લેખાજોખા તેમનો પુત્ર રઘુવીરસિહ જાણતો હોવાથી હજુ પણ આ બાબતે નવા પ્રકરણો બહાર આવે તો નવાઈ નહિ.