મુંબઈ,મહારાષ્ટ્ર સરકારે ૨૮ મે ના રોજ વીડી સાવરકરની જયંતિને ’સ્વાતંત્રવીર ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું એલાન કર્યું છે. સાવરકરના વિચારોને ફેલાવવા અને પ્રચારિત કરવા માટે સરકાર અનેક કાર્યક્રમ આયોજિત કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘોષણા કરી છે.
મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એલાન કર્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૮ મે ના રોજ વીર સાવરકરની જયંતિને ’સ્વાતંત્રવીર ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે વીર સાવરકરના વિચારોના પ્રચાર-પ્રસાર માટે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સીએમ શિંદેએ કહ્યું કે, વીર સાવરકરે દેશની આઝાદી અને રાષ્ટ્રીય વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે તેમની દેશભક્તિ, હિંમત અને પ્રગતિશીલ વિચારોની ઉજવણી કરવા અને તેના દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની માંગ કરી હતી.
વીર સાવરકરને લઈને મહારાષ્ટ્રમાં તણાવ ચાલી રહ્યો છે. ગત મહિને નવી દિલ્હીમાં સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી શરૂ થયેલો વિવાદ મહારાષ્ટ્રમાં ગરમાયો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ માફી નહીં માંગશે કારણ કે તેઓ ગાંધી છે સાવરકર નથી. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ સૌથી પહેલા રાહુલને ચેતવણી આપી હતી. ત્યારબાદ એનસીપી પ્રમુખ શરદ પવાર આગળ આવ્યા હતા અને કોંગ્રેસને સલાહ આપી હતી. મહારાષ્ટ્ર સરકાર વતી સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.