નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટ રામ નવમીમાં શોભાયાત્રા દરમિયાન હિંસા મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે.
આ મામલે ૧૭ એપ્રિલે સુનાવણી થશે. રામ નવમી પર પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ અને તેલંગાણા રાજ્યોમાં હિંસા વિરુદ્ધ ’હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે. સંસ્થાના વકીલ હરિશંકર જૈન વતી સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી.
હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે રામ નવમીની શોભા યાત્રા દરમિયાન થયેલા તોફાનોની તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરતી અરજી દાખલ કરી છે. અરજીમાં પશ્ર્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તેલંગાણા અને ગુજરાતમાં ૩૦ માર્ચે રામનવમીની શોભાયાત્રામાં થયેલા તોફાનો સામે પગલાં લેવાનો આદેશ માંગવામાં આવ્યો છે. આ સાથે જ આ રમખાણોમાં ઘાયલ થયેલા લોકોને અને તેમની સંપત્તિને થયેલા નુક્સાનને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે અરજીમાં હિંસા પ્રભાવિત રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી રિપોર્ટ મંગાવવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે જે લોકો પર હિંસા ફેલાવવાનો અને સંપત્તિને નુક્સાન પહોંચાડવાનો આરોપ છે તેમની પાસેથી જ નુક્સાની વસૂલવામાં આવે. રાજ્ય સરકારોને સૂચના આપવી જોઈએ કે કોઈ પણ વિસ્તારને મુસ્લિમ બહુમતી વિસ્તાર તરીકે જાહેર કરીને હિન્દુઓના સરઘસ અને સરઘસને મંજૂરી આપતા અટકાવે નહીં.