સુપ્રીમ કોર્ટે આરએસએસ કૂચ પર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો, સ્ટાલિન સરકારની અરજીને ફગાવી દીધી

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે આરએસએસકૂચ પર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા સ્ટાલિન સરકારની અરજીને ફગાવી દીધી હતી. આ પહેલા હાઈકોર્ટે આ મામલે આરએસએસ માર્ચને લીલી ઝંડી આપી દીધી હતી. જેની સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો જેમાં આરએસએસને રાજ્યમાં માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ વી રામસુબ્રહ્મણ્યમ અને પંકજ મિત્તલની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ૧૦ ફેબ્રુઆરીના રોજ આરએસએસને ફરીથી નિર્ધારિત તારીખો પર તમિલનાડુમાં તેની રૂટ માર્ચ કાઢવાની મંજૂરી આપી હતી. બેન્ચે કહ્યું હતું કે સ્વસ્થ લોક્તંત્ર માટે વિરોધ જરૂરી છે. બીજી તરફ સ્ટાલિન સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે દલીલ કરી હતી કે આરએસએસની કૂચથી ઘણા જિલ્લાઓમાં ખતરો ઉભો થઈ શકે છે. કારણ કે ઘણા રસ્તાઓ પર કૂચ યોગ્ય નથી અને વધુમાં કહ્યું હતું કે સરકાર મર્યાદિત સ્થળોએ જ મંજૂરી આપવા માંગતી હતી જેવા કે બંધ ભવનોમાં પણ રસ્તા પર મંજૂરી આપવા માંગતી ન હતી. બીજી તરફ આરએસએસએ આ મામલે રાજ્ય સરકારના નિર્ણયને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.