પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો

અમદાવાદ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એપ્રિલ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવવાના હતા, પરંતુ તે પહેલા જ તેમનો ગુજરાત પ્રવાસ રદ થયાના સમાચાર આવ્યા છે. ૧૭ એપ્રિલનો વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ કેન્સલ થયો છે. તેઓ ગુજરાતમાં આવીને સૌરાષ્ટ્ર-તામિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા. પરંતુ ફોરેન ડેલિગેશન સાથે બેઠક હોવાથી કાર્યક્રમ રદ થયો છે. તેમજ કર્ણાટક ચૂંટણીના કામકાજને લઈને પણ પ્રવાસ કેન્સલ કરાયો છે.

આગામી ૧૭ થી ૨૬ દરમ્યાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડું રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ૨૦૨૪ ની લોક્સભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. લોક્સભાની ચૂંટણીના પ્લાનિંગને લઈને પણ તેમનો આ પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો હતો. હજી ગત માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે અમદાવાદની મુલાકાત કરી હતી. તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક્સાથે બેસીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો.