
ધાનપુર : ધાનપુર તાલુકા પંચાયત ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ભારે રાજકીય ગરમાવો અને ઉત્સુકતા વચ્ચે પૂર્ણ થઈ હતી. દિવસભર ચાલેલા ફિલ્મી ડ્રામા અને રાજકીય ખેંચતાણ બાદ અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવારના નામની ચીઠ્ઠી ઉંચળતા સોનલબેન અલ્કેશભાઈ ભુરીયાનું નામ જાહેર થતા AAP કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
આ સાથે ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સત્તાવાર બોડી રચાઈ ગઈ છે. ધાનપુર તાલુકાના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ સત્તા પ્રાપ્ત કરતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી કરી હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા અને વિજયના નારા લગાવ્યા હતા.
સ્થાનિક રાજકારણમાં આ પરિણામને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે, અત્યાર સુધી અન્ય પક્ષોનું પ્રભુત્વ રહેલા ધાનપુર તાલુકામાં હવે આમ આદમી પાર્ટીએ નવી રાજકીય શઆત કરી છે. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ધાનપુર તાલુકાના મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકોના વિશ્ર્વાસ, સમર્થન અને પરિવર્તનની ભાવનાના કારણે આ જીત શક્ય બની છે.