શહેરા તાલુકાના ઉજડા ગામે જમીન બાબતે જાતિ અપમાનિત કરી જીવલેણ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ

શહેરા,શહેરા તાલુકાના ઉજડા ગામે બે માથાભારે શખ્સોએ જમીન બાબતની અંગત અદાવત રાખીને પોતાના પડોશમાં રહેતા પડોશીના ઘરે અવાર નવાર કચરો નાખી અને જાતિ વિષયક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પડોશી ઉપર ધારિયા જેવા મારક હથિયાર દ્વારા જીવલેણ હુમલો કરી હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે બાબતે શહેરા પોલીસ મથકે આ બંને માથાભારે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બનાવના આજે પંદર દિવસ જેટલો સમય વીતવા છતાં પણ શહેરા પોલીસ દ્વારા આ માથાભારે બંને શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે ગોધરાના મીનાક્ષી ગ્રીન્સ જીઆઇડીસી ખાતે અને મૂળ ઉજડા ગામે રહેતા નેહા પરમાર આજથી 15 દિવસ પહેલા તેમના પતિ બીપીન પરમાર પોતાના ઘરે ઉજડા ગામે હતા. ત્યારે તેમના બાજુમાં રહેતા લાલા ભોઇ અને શના ભોઈએ તેમના ઘરની બાજુમાં કચરો કેમ નાખો છો તે સંદર્ભે તેમના પતિ બીપીન એ પૂછ્યું હતું. ત્યારે આ માથાભારે બંને શખ્સો એ બીપીન ઉપર ધારીયા જેવા મારક હથિયારથી હુમલો કરતા હાથના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

જ્યાં તેમને વધુ સારવારની જરૂર પડતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં હાથના ભાગે ઇજાઓ અતિ ગંભીર હોવાના કારણે તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે આ બનાવને 15 દિવસ જેટલો સમય વીતવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને આજદિન સુધી શહેરા પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજરોજ પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીઓને તાત્કાલિક પકડીને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.