- ઝાલોદ-સંતરામપુર હાઈવે પર પોલીસ દ્વારા એન્ટ્રીના નામે પૈસા ઉઘરાવાતા હોવાનો વિડીયો વાયરલ.
દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ-સંતરામપુર હાઈવે રોડ પર પોલીસ દ્વારા રાત્રીના સમયે પસાર થતાં વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં પોલીસ બેડા સહિત જિલ્લાભરમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. સંભવિત આ વિડીયો ઝાલોદ-સંતરામપુર હાઈવે હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આ મામલે ઉચ્ચ સ્તરીય રજુઆતો થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઝાલોદ-સંતરામપુર હાઈવે પર રાત્રીના સમયે અનેક વાહનોની અવર જવર થતી હોય છે. સંભવિત આ હાઈવે પર થોડા દિવસો પુર્વે હાઈવે પર ફરજ બજાવતાં બે જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને ખાસ કરીને ભારે વાહન ચાલકો જેવા કે ટ્રકના ચાલકો જેઓ માલ સામાન ભરી પસાર થતાં હોય છે. તેઓને પાસે એન્ટ્રી ફી ના નામે ઉઘરાણા કરતાં હોવાનો વિડીયો કોઈ વાહન ચાલક દ્વારા આ સમગ્ર પોલીસ દ્વારા ઉઘરાણાની વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા વાહન ચાલક પાસે એન્ટ્રી ફી નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું વિડીયોમાં જોવા મળ્યું હતું. આ વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાંની સાથે દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ મામલે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ છે. આ મામલે સંલગ્ન વિભાગ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો સઘળી હકીકત બહાર આવે તેમ છે.